Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં આજથી જ તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં વાવણી જેવો વરસાદ થશે?

Rain forecast with storm in Gujarat
, શુક્રવાર, 7 જૂન 2024 (09:18 IST)
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે.હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે પરંતુ આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.
 
ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.
 
ચોમાસું હાલ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મુંબઈમાં ચોમાસા પહેલાના વરસાદની પણ શરૂઆત થવાની શક્યતા છે.
 
ગુજરાતમાં તોફાન સાથે વરસાદ પડશે?
 
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગાહી કરતાં કહ્યું છે કે હાલ શરૂ થનારો વરસાદ ગાજવીજ અને પવન સાથે આવે તેવી શક્યતા છે.
 
વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થઈ ગઈ છે અને હવે રાજ્યના અન્ય વિસ્તારો સુધી ચોમાસા પહેલાંનો વરસાદ પહોંચશે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદ જ્યારે આવશે ત્યારે ગાજવીજ થશે અને કોઈ જગ્યાએ વીજળી પડવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે.
 
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં આવતા વરસાદમાં પહેલાં પવન આવે છે અને તે બાદ વરસાદ પડતો હોય છે. હવામાન વિભાગ પ્રમાણે કેટલાક વિસ્તારમાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
 
દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે, આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
 
ગુજરાતના કયા જિલ્લામાં સારા વરસાદની શક્યતા?
 
6 જૂનના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે અને હવે ગુજરાતમાં તેની એન્ટ્રી ગણતરીના દિવસોમાં જ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં હવામાન વિભાગે જાહેરાત કરી છે કે 7 જૂનથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલાટશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
 
જે 9 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને હળવાને બદલે કેટલાક વિસ્તારોમાં મધ્યમ તથા કેટલાક વિસ્તારોમાં મધ્યમથી વધારે વરસાદ પડવાની શક્યતા છે.
 
9 અને 10 જૂનના રોજ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં મધ્યમ તથા કેટલાક વિસ્તારોમાં થોડો વધારે વરસાદ થઈ શકે છે.
 
આ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. અહીં પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે..
 
11 જૂનથી વરસાદનું જોર ફરી વધશે અને 12 જૂનની આસપાસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાનનાં મૉડલો અનુસાર 13 જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં કેટલા દિવસ બાદ ચોમાસાનું આગમાન?
30 મેના રોજ કેરળથી દેશમાં ચોમાસાની શરૂઆત થઈ હતી અને તે બાદ સતત ચોમાસું આગળ વધી રહ્યું છે. 6 જૂન આવતાની સાથે જ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે હાલ એવી અનુકૂળ સ્થિતિ સર્જાયેલી છે કે આવનારા ત્રણથી ચાર દિવસોમાં ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધારે વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, આંધ્ર પ્રદેશના બાકી રહેલા વિસ્તારો, મહારાષ્ટ્રના વધારે વિસ્તારો તથા મુંબઈ સુધી પહોંચી જવાની શક્યતા છે.
 
હાલ ચોમાસાની અરબી સમુદ્ર તરફની શાખા ઝડપથી આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં પણ હજી આજ ઝડપે આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં 15 જૂન ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે.
 
2023માં અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં 10 દિવસ ચોમાસું મોડું શરૂ થયું હતું અને જુલાઈ મહિનામાં ખૂબ વરસાદ પડ્યો હતો. જે બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અત્યંત ઓછો પડ્યો હતો.
 
જોકે, ગત વર્ષ અલ નીનોનું વર્ષ હતું તેની અસર ભારતના ચોમાસા પર જોવા મળી હતી. સમગ્ર દેશમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો.
 
આ વર્ષે હાલ પ્રશાંત મહારાસાગરમાં અલ નીનો નબળું પડી ગયું છે અને ચોમાસું શરૂ થયા બાદ લા-નીના બને તેવી પ્રબળ શક્યતા છે. જેના લીધે આ વર્ષે ભારતમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અદાણી હેલ્થ વેન્ચર્સ નામની નકલી કંપની બનાવી, ફેન્ચાઈઝી આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી