કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવે ગુજરાતમાં ચોમાસાની મોસમનો ક્યારથી શુભારંભ થાય તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ૨૫ જૂનની આસપાસથી ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ શકે છે. વધુ રાહતની વાત એ છે કે, ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે ૧૦૦%થી વધુ વરસાદ નોંધાય તેની પૂરી સંભાવના છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર સહિતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ અરેબિયન સમુદ્રમાં આગેકૂચ કરી છે અને તેમાં લક્ષદ્વિપ, દક્ષિણ કેરળ, દક્ષિણ તામિલનાડુનો સમાવેશ થાય છે. આમ, કેરળમાં ૧ જૂનની ધારણને સ્થાને ૩ જૂનથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં અગાઉ ૧૫થી ૨૦ જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થાય તેની સંભાવના હતી. પરંતુ હવે કેરળમાં બે દિવસમાં વિલંબ બાદ ચોમાસું બેસતાં ગુજરાતને થોડા વધુ દિવસ રાહ જોવી પડશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૨૫ જૂનની આસપાસ વિધિવત્ ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડે તેની સંભાવના છે. જ્યાં વરસાદ પડી શકે છે તેમાં વલસાડ, નવસારી, ડાંગ, દાહોદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 'અમદાવાદમાં આજે ૩૯.૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદ અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે ગરમીમાં ઘટાડો અનુભવાશે અને તાપમાન ૩૭ ડિગ્રીથી નીચે જઇ શકે છે. આજે ૪૨ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૪૦.૮, કંડલા-અમરેલીમાં ૩૯.૯, ડીસામાં ૩૯.૫, ભાવનગરમાં ૩૯.૧, વડોદરામાં ૩૮.૨, ગાંધીનગરમાં ૩૮, ભૂજમાં ૩૭.૮ અને સુરતમાં ૩૪.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ૧૦૦%થી વધુ વરસાદ નોંધાઇ રહ્યો છે. જેમાં ૨૦૧૯માં ૪૬.૯૫ ઈંચ સાથે ૧૪૬.૧૭% અને ૨૦૨૦માં ૪૪.૭૭ ઈંચ સાથે મોસમનો ૧૩૬.૮૫% વરસાદનો સમાવેશ થાય છે.