ગુજરાતના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર તેમજ પીએમ નરેન્દ્ર મોદી પર સીધું નિશાન તાક્યું હતું. બેરોજગારીના મુદ્દે પીએમ મોદીને સીધો સવાલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં રોજ નોકરી શોધતા લોકોમાં 30 હજારનો ઉમેરો થાય છે, જેની સામે સરકાર રોજની માત્ર 400 નોકરીઓ જ પૂરી પાડી શકે છે.
વિકાસ ગાંડો થયો છે અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ કેમ્પેઈન સોશિયલ મીડિયામાં ખૂબ જ સફળ રહ્યું છે. જામખંભાળિયામાં રાહુલે કહ્યું હતું કે, વિકાસ ગાંડો થઈ ગયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી મંગળવારના રોજ મોરબીના ટંકારામાં રેલીને સંબોધશે. વાંકાનેરમાં મિલ્ક પ્લાન્ટની પણ મુલાકાત લેશે અને પછી રાજકોટમાં રોડ શૉ કરશે. રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરુ જણાવે છે કે, રાહુલ ગાંધી હેમુ ગઢવી હોલમાં વેપારીઓને મળશે. સૌરાષ્ટ્રના કોંગ્રેસ વર્કીંગ પ્રેસિડન્ટ કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, નવરાત્રિનો અવસર હોવાથી અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં કોઈ ગરબા કાર્યક્રમમાં ભાગ લે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વેન્યુ હજી નક્કી કરવામાં નથી આવ્યું.