અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક(એ.ડી.સી. બેંક) તરફથી ચેરમેન અજય પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. જેની આજની સુનાવણીમાં મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીએ ફરિયાદીની જુબાની લઈ કોર્ટ ઇન્કવાયરીનો હુકમ કર્યો છે.
બેંકે રાહુલ ગાંધી અને સુરજેવાલા વિરૂદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૫૦૦ મુજબ એટલે કે માનહાનિની ફરિયાદની જોગવાઈઓ મુજબ કાયદાકીય પગલાં લેવા માગણી કરી છે. નવેમ્બર-૨૦૧૬માં નોટબંધી એ.ડી.સી. બેંકે પાંચ દિવસમાં રૂપિયા ૭૪૫ કરોડની જૂની નોટો બદલી કૌભાંડ આચર્યુ હોવાની માહિતી ફેલાવી રાહુલ ગાંધી અને સુરજેવાલાએ બેંકની છબી ખરાબ કરી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે કેસમાં પ્રથમદર્શી અવલોકનમાં માનહાનિ થઈ હોવાનું જણાય છે. જેમના પર માનહાનિનો આરોપ લગાવાયો છે તે બન્ને બહાર રહેતા હોવાથી કોર્ટ ઇન્કવાયરીની જરૂર જણાઈ આવે છે. વધુ સુનાવણી ૧૭મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.
સુરજેવાલાએ એક પત્રકાર પરિષદમાં આપેલા નિવેદનને મુખ્ય આધાર બનાવી એ.ડી.સી. બેંકે પક્ષ રજૂ કર્યો છે. જૂન માસમાં સુરજેવાલાએ એક પત્રકાર પિરષદમાં નિવેદન આપ્યું હતું કે ૮મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંધી જાહેર થયા પછી ૧૦મી નવેમ્બરથી ૧૪મી નવેમ્બર દરમિયાન એ.ડી.સી. બેંકમાં રૂપિયા ૭૪૫ કરોડની જૂની નોટ જમા કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યપક્ષ અમિતા શાહ પણ આ બેંકના ડિરેક્ટર પૈકી એક છે. બેન્કને કૌભાંડી ગણી બેન્ક અને અમિતા શાહના સંબંધો વિશે સુરજેવાલાના નિવેદનો વિરૂદ્ધ પણ ફરિયાદી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ સુરજેવાલાની પત્રકાર પરિષદના સંદર્ભમાં કરેલી ટ્વિટને ફરિયાદીએ મુખ્ય આધાર બનાવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી, 'અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના ડિરેક્ટર અમિત શાહજીને અભિનંદન, તેમની બેન્કે પાંચ દિવસમાં રૂપિયા ૭૪૫ કરોડની જૂની ચલણી નોટોને નવીમાં તબદીલ કરવાની રેસમાં પહેલું ઇનામ મેળવ્યું છે. નોટબંધીમાં જેમનું જીવન બરબાદ થઈ ગયું છે તેવા કરોડો ભારતીયો તમારી સિદ્ધિને સલામ કરે છે.
આ પ્રકારના નિવેદનો અને ટ્વિટથી બેન્ક, બેન્કના ચેરમેન, ડિરેક્ટરો અને થાપણદારોની બદનક્ષી થઈ હોવાની કરવામાં આવી છે. નાબાર્ડ(નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ) દ્વારા સુરજેવાલાના નિવેદન અન્વયે અપાયેલી સ્પષ્ટતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં એવું નિવેદન છે કે એ.ડી.સી. બેન્કના ખાતેદારો દ્વારા સરેરાશ ૪૬,૭૯૫ રૂપિયાની જૂની નોટ જમા કરાવવામાં આવી છે. આ રકમ ગુજરાતની અન્ય ૧૮ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ખાતેદારો દ્વારા જમા થયેલી સરેરાશ કરતા ઓછી છે.