વડોદરા રેલવે સ્ટેશન પર ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજવા અંગે અભિનેતા શાહરૃખખાન સામે કાર્યવાહી કરવા માટે વડોદરાની કોર્ટમાં થયેલી ફરિયાદ પર હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે અને વધુ સુનાવણી ૨૫ મી સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કર્યું છે. શાહરૃખખાન પોતાની રઇસ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યો ત્યારે રેલવે સ્ટેશન પર થયેલી ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે જીતેન્દ્ર સોલંકી નામના વ્યક્તિએ શાહરૃખખાનને જવાબદાર ગણીને તેની સામે કાર્યવાહી કરવા માટે વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રદ્દ કરવા માટે શાહરૃખખાને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આ પિટિશનની આજે પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાની કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવા સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. આ અગાઉ એક અરજીની તપાસમાં વડોદરા રેલવે પોલીસે શાહરૃખખાનને જવાબ લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. તેની સામે પણ શાહરૃખખાને હાઇકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટે કાર્યવાહી સામે સ્ટે ફરમાવેલો છે.