સુર્ય ક્યારેય સ્વયં કોઇને જગાડતો નથી પરંતુ તેની હાજરી માત્રથી લોકો પૃવૃત્તિમાં પ્રેરાય છે, તે જ રીતે સંન્યાસીની ઉપસ્થિતિથી સામાન્ય લોકો સત્કર્મમાં જોડાય છે. સંન્યાસ એટલે કર્મનો ત્યાગ નહીં પરંતુ ‘’ હું કરું છું” એ અહંકારનો ત્યાગ. ફળની આકાંક્ષા છૂટે ત્યારે જ કર્મસંન્યાસ સિદ્ધ થાય. બાહ્ય પરિસ્થિતિ બદલાય પરંતુ આંતરિકદ મનઃસ્થિતિ ના બદલાય તો લાભને બદલે હાનિ થવાની શક્યતા રહે છે તેમ શહેરમાં આયોજીત ગીતા અધ્યાયમાળા- ગીતા જીવન સંહિતા દરમિયાન સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યાજીએ જણાવ્યું હતું. આજના આ પ્રસંગે બાપ્સ (BAPS) ધોલકાના શીલ્ભુષણ સ્વામી પણ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા.
ઈન્દ્રવદન એ મોદી ટ્રસ્ટના ઉપક્રમે યોજાઈ રહેલી ગીતા અધ્યાયમાળા-જીવનસંહિતા દરમિયાન સંન્યાસના લક્ષણો વર્ણવતા પંડિત ભૂપેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે શરીર અને ઈન્દ્રીયોને વશમાં કરવા માટે દેહને નિર્બળ ના બનાવાય પરંતુ આત્માને સબળ બનાવવો જોઈએ. કર્મફળનો ત્યાગ એ યોગીનું લક્ષણ છે, પરંતુ સામાન્ય જીવાત્મા જો ફળની અપેક્ષા રાખ્યા વગર કોઈ કર્મ કરશે તો સંભવતઃ તે પૂરી લગનથી તે કામ કરે તેવી શક્યતા રહે છે. કર્મયોગ વગર જ્ઞાનયોગ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
યોગસિદ્ધ પુરુષ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો આ તફાવત સમજવા જેવો છે. યોગ માટે ઈન્દ્રિય નિયંત્રણ જરૂરી છે, યોગાસનથી વિકારો લુપ્ત નથી થતાં પણ સુષુપ્ત થઈ જાય છે, આથી જ સિદ્ધયોગી પુરુષ પણ ક્યારેક વિકારોમાં ફસાઈ જાય તેવી શક્યતા હોવાથી મન પર સંયમ રાખવો જરૂરી બને છે.
સામાન્ય વ્યક્તિ જો દિવસમાં 10 વખત ક્રોધ કરતી હશે તો યોગી 10 દિવસમાં એક વાર ક્રોધ કરતી હશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સમત્વબુદ્ધિ રૂપી યોગમાં સ્થિર થવા ઈચ્છતા લોકોએ ઈન્દ્રિયોને વશમાં રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
તથ્ય અને સત્ય વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે જણાવ્યું હતું કે તથ્યના વર્ણન માત્રને સત્ય ના કહી શકાય. પરમાત્મા સન્મુખ સત્યનું જ મહત્વ છે. જીવનમાં વ્યક્તિ જેટલી ઉંચાઈઓને આંબે છે તેણે તેટલી જ વધુ સાવધાની રાખવાની જરૂર છે, કારણકે જમીન પર પહોંચેલી વ્યક્તિ કરતાં ઊંચાઈ પર પહોંચેલી વ્યક્તિ જો અસાવધ રહે તો તેને વધુ નુકસાન થાય છે.
વિષયોનું આકર્ષણ મનુષ્યને વિચલિત કરી દે છે આથી વિષયોનો વિષ સમજી ત્યાગ કરો. વિષ માત્ર તેને પીનારાને હણે છે જ્યારે વિષયોના માત્ર ચિંતનથી પણ નુકસાન થાય છે. સંસારી મનુષ્યો માટે વિષયો આવશ્યક છે, તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેના ઉપભોગમાં ના ફસાવવું જોઈએ. યોગારૂઢ અવસ્થામાં પહોંચેલી વ્યક્તિ જીજીવિષા કે મૂમૂર્ષાથી પર હોય છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભાગવદ્ ગીતા એ મનુષ્યના જીવનને સંદર બનાવવાનું શાસ્ત્ર છે.