ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી પરીક્ષાના પેપરલીક કાંડનો રેલો પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચી જતા સરકાર પણ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં આ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ભાજપ સાથે જૂનો સંબંધ હોવાની સાથે નરેન્દ્ર મોદીના પુસ્તકો પણ આજ પ્રેસમાં છપાયા હોવાનું બહાર આવતા મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અસમંજસમાં મુકાયા છે.
બીજીતરફ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કરી ભાજપ પર આક્ષપે કર્યો છે, તેઓએ જણાવ્યું કે, અનેક પરીક્ષાઓના 'પેપર લીક સેન્ટર' સૂર્યા ઓફસેટ પ્રેસનો માલિક પુરોહિત ભાજપ-RSS સાથે જોડાયેલો છે. આજ પ્રિન્ટિંગ પ્રેસમાં નરેન્દ્ર મોદીજીની અનેક પુસ્તકો પ્રિન્ટ થયા છે. ગુજરાતને આજકાલ પેપર લીકકાંડનું હબ બનાવી દીધું છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પેપરલીક મામલે હંગામો કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરતાં અનેક કાર્યકરોના માથા ફૂટ્યાં હતાં.