Publish Date: Fri, 05 Jun 2026 (09:17 IST)
Updated Date: Fri, 05 Jun 2026 (11:08 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, શુક્રવારે ગુજરાત અને દમણની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. પીએમઓ (PMO) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સુરત, દમણ અને લક્ષદ્વીપના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સુરતમાં અંદાજે ₹18,800 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપશે, જે પરિવહન, શહેરી સુવિધાઓ, પર્યટન અને કનેક્ટિવિટી ક્ષેત્રમાં મોટો સુધારો લાવશે.
હજીરા પ્લાન્ટની મુલાકાત: જોરાવર ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજનનું નિરીક્ષણ
વડાપ્રધાન મોદી બપોરે 2:30 વાગ્યે સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ખાસ કરીને L&T પ્લાન્ટમાં સ્વદેશી ટેકનોલોજીથી બનેલી જોરાવર ટેન્ક અને ભવિષ્યના સ્વચ્છ ઉર્જા સ્ત્રોત સમાન ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની પ્રગતિ નિહાળશે. સાંજે 4 વાગ્યે વડાપ્રધાન સુરતમાં એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.
એક્સપ્રેસવે અને કનેક્ટિવિટી ક્ષેત્રે મોટી જાહેરાતો
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પરિવહન વધુ ઝડપી બનાવવા માટે પીએમ મોદી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ VI અને VII રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત, પ્રવાસીઓ અને સ્થાનિકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારો સુધીની પહોંચ સરળ અને સુગમ બનાવવા માટે NH-56 ના કેટલાક ભાગોના ફોર-લેનિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ તેમના હસ્તે કરવામાં આવશે.
સુરતને મળી આધુનિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ
દક્ષિણ ગુજરાતના શ્રમિકો અને સામાન્ય નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે સુરતમાં આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ 200 બેડની નવીન ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર માટે 24/7 કાર્યરત ઈમરજન્સી સેવાઓ અને અત્યાધુનિક ટ્રોમા કેરની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પાવર સેક્ટર અને ઔદ્યોગિક વિસ્તારોનું અપગ્રેડેશન
ઔદ્યોગિક વિકાસને વધુ મજબૂત કરવા માટે ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ અને વલસાડમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન અપગ્રેડેશનનું લોકાર્પણ થશે. આ સાથે જ પર્યાવરણની જાળવણી માટે દહેજ અને સરીગામ GIDC માં એડવાન્સ એફ્લુઅન્ટ ડિસ્પોઝલ સિસ્ટમ તેમજ દવા ઉદ્યોગને વેગ આપવા માટે જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં જરૂરી વિવિધ યુટિલિટીઝનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો