દેશભરના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ ને મજબૂત બનાવવા અને કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત આપવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના પરિવહન માટે સતત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વે ના ગુજરાતના હાપા અને મુંદ્રા પોર્ટ થી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવતા લોકો પાઇલટે પોતાના અનુભવો શેર કર્યા હતા.
અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ માં પોસ્ટેડ લોકો પાયલટ શ્રી સર્વેશ શર્મા જણાવે છે કે મારા 21 વર્ષના સેવાકાળની યાદગાર યાત્રા રહી જ્યારે મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ થી પાટલી (હરિયાણા) ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવા માટે મને ડ્યુટી કોલ મળ્યો. તે સમયે, પરિવાર સાથે હતો અને ઘરે પણ પત્નીએ બાળકોમાં આ ફરજ માટે ઉત્સાહ દર્શાવ્યો કારણ કે અખબારો ટીવી પર જોઈ રહ્યા હતા કે આપણા ત્યાં ઓક્સિજનની અછત છે અને ભારતીય રેલ્વે આ પ્રાણવાયુ ને સતત દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં સપ્લાય કરી રહી છે.
હું પણ તે સફરનું માધ્યમ બની રહ્યો હતો. તેમણે કહ્યું કે 84 ટન લિક્વિડ ઓક્સિજન સિલિન્ડરના 06 કન્ટેનર સહિતની આખી ટ્રેન સાથે પાલનપુરની યાત્રામાં કોઈ અડચણ ન હતી આવી. અમે આ ટ્રેનને રાજધાની ટ્રેનની ગતિએ દોડાવી હતી. અમને દરેક સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળ્યું અને અમે 372 કિ.મી.નું આ અંતર 06:45 કલાકમાં પાર કર્યું જે ડબલ સ્ટેક કન્ટેનર રેક્સ માટે મહત્તમ હતું અને મે પણ સૌથી લાંબી ટ્રેન ચલાવવાનો આનંદ લીધો.
રાજકોટ ડિવિઝન ના લોકો પાયલટ અરૂણકુમાર પાંડેએ જણાવ્યું હતું કે 4 મે, 2021 ના રોજ તેમણે હાપા થી સુરેન્દ્રનગર ની વચ્ચે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવી હતી. આ સમય દરમિયાન તેમને આ સેક્શન માં દરેક જગ્યાએ ગ્રીન સિગ્નલ મળ્યા જેથી સલામતીનાં પગલાં ની ખાતરી કરતા લગભગ 53-56 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ટ્રેન ચલાવી શકે.
તેમણે કહ્યું, 'જ્યારે હાલના સંજોગોમાં કોવિડ -19 ને કારણે દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન નો અભાવ છે ત્યારે હું એવા સમયે ઓક્સિજન પહોંચાડવા માટે ભારતીય રેલ્વેના આ મિશન નો ભાગ બનીને ખૂબ જ ગૌરવ અનુભવું છું'. મેં જોયું કે રેલ્વે કામગીરી સાથે સંકળાયેલા તમામ રેલ્વે કર્મચારીઓ સંપૂર્ણ તકેદારી અને સમર્પણ સાથે કાર્યરત છે.
ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોને મિશન મોડમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધી માં હાપા અને મુંદ્રા પોર્ટ થી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરો દ્વારા કુલ 18 ટ્રેનો માં લગભગ 1771.07 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.