વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે એક સામાજીક સંસ્થા દ્વારા ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તિદાને ભજન શરૂ કર્યા બાદ પાટીદારોએ ઉમા -ખોડલ અને પાટીદારોના ભજન ગાવાની ડિમાન્ડ કરી હતી. જો કે એ ડિમાન્ડ પુરી થાય તે અગાઉ જ પાટીદાર યુવકોએ ધાંધલ ધમાલ મચાવી હતી. અને ગાદલા-તકીયા, બુટ પાણીની બોટલ ઉછાળતાં કાર્યક્રમમાંથી થોડીવારમાં કિર્તિદાન નીકળી ગયો હતો. અને કાર્યક્રમ સમાપ્ત કરી દેવાયો હતો.
ડાયરામાં થયેલી બબાલ અંગે કિર્તિદાને જણાવ્યું હતું કે, સાધુ સંતો દ્વારા હિન્દુ ધર્મની પૂજનીય મનાતી ગાયના લાભાર્થે અને ગૌ રક્ષા નિમિતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં અમુક યુવકોએ ધમાલ મચાવી જે આપણી હિન્દુ પરંપરાને શોભે નહીં. આપણે ગાયોની રક્ષા માટે કંઈ આપી ન શકીએ તો કંઈ નહી પરંતુ ધમાલ કે અશોભનિય વર્તન આપણને શોભે નહીં.
પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે બૂટ-ચપ્પલ ઉડ્યા એ વાત સાચી છે પણ એ ઘટના સાથે પાસને કોઈ લેવાદેવા નથી. આ સમગ્ર પાટીદારોની નારાજગી હોય શકે છે. યોગીચોક ગ્રાઉન્ડ ખાતે સામાજિક-ધાર્મિક સંસ્થા દ્વારા મહાશિવરાત્રિ નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે યજ્ઞ, જળાભિષેક સહિતના કાર્યક્રમો બાદ મોડી સાંજે ગૌશાળાના લાભાર્થે ભજન ડાયારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભજન સમ્રાટ અને તેરી લાડલી ગીતથી જાણીતા થયેલા કિર્તિદાન ગઢવીને ભજન માટે બોલાવવામાં આવ્યાં હતાં. કિર્તિદાનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.