તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપી બનાવાયેલા પાલિકાના કાર્યપાલક ઇજનેર પરાગ મુન્શીને કોર્ટે 10 કલાકના જામીન આપ્યા હતાં. જામીન અરજી ઉપર ત્રણ-ચાર વખત સુનાવણી બાદ ગુરુવારે કોર્ટે નિર્ણય આપ્યો હતો. આગામી 9મી જુલાઈએ ઇજનેર પરાગ મુન્શીની પુત્રીના લગ્ન હોઈ તેમાં હાજરી આપવા માટે લગ્નના દિવસે સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના જામીન આપ્યા હતાં. પોલીસની હાજરી સાથે તેમણે લગ્નમાં હાજરી આપવાની રહેશે, તેવી શરત સાથે કોર્ટે 10 કલાકના જામીન મંજૂર કર્યાં હતાં.
તક્ષશિલા અગ્નિકાંડમાં પાલિકાના કાર્યપાલક ઇજનેર પરાગ મુનશી સહિત જેલમાં બંધ બે ફાયર ઓફિસર, ડીજીવીસીએલના ડે.ઇજનેર અને બિલ્ડરોએ જામીન અરજી કરી હતી. બચાવ પક્ષ અને સરકાર પક્ષે દલીલો થઈ હતી. સરકાર પક્ષે એવી દલીલો કરાઈ હતી કે, ફરજમાં ગુનાહિત બેદરકારી છે, કોઈપણ સ્થળ પર ખરાઈ વગર સર્ટીફિકેટ ઈશ્યુ કર્યા છે. બિલ્ડરોએ જોખમ જાણ્યા વગર જ બાંધકામ કર્યું હતું. આ કારણોસર આ ગુનામાં જામીન મળવાપાત્ર નથી.
બચાવપક્ષો તરફથી પણ અલગ અલગ દલીલો કરાઈ હતી. પરાગ મુનશીની પુત્રીના આગામી 9મી જુલાઈએ વેસુમાં વિજયાલક્ષ્મી હોલમાં લગ્ન હોઈ જામીનની માગણી કરવામાં આવી હતી. જોકે, સરકારપક્ષે તેનો વિરોધ કર્યો હતો. દલીલોને અંતે ગુરુવારે કોર્ટે 10 કલાકના જામીન મંજૂર કરતો આદેશ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાંચે બિલ્ડર આ અગ્નિકાંડમાં હર્ષુલ વેકરીયા, જિજ્ઞેશ પાઘડાળ, ફાયર ઓફીસર કિર્તી મોઢ, સસ્પેન્ડેડે ચીફ ફાયર ઓફીસર સંજય આચાર્ય, પાલિકાના કાર્યપાલક ઇજનેર જયેશ સોલંકી, પરાગ મુનશી અને ડીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર દિપક નાયક સહિતના આરોપીઓની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપ્યા હતા.