દાહોદ પોલીસે કરોડો રૂપિયાના મનરેગાનાં કામોમાં કથિત ભ્રષ્ટાચારના આરોપ સબબ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના દીકરા બળવંત ખાબડ તથા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) દર્શન પટેલની ધરપકડ કરી છે. અદાલતે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે .
ગોધરાસ્થિત બીબીસ ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે, "વર્ષ 2021થી 2025 દરમિયાન દાહોદ જિલ્લાનાં દેવગઢ બારિયા તાલુકાના ધાનપુર તથા અન્ય ત્રણ ગામોમાં, મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રુરલ ઍમ્પલોયમેન્ટ ગૅરંટી ઍક્ટ) હેઠળ રસ્તા બનાવવાનાં કામોમાં રૂ. 71 કરોડ કરતાં વધુના કૌભાંડની ફરિયાદ 35 એજન્સીઓ સામે કરવામાં આવી હતી."
"જેની ફરિયાદમાં પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત તથા કિરણ ખાબડનાં નામ પણ હતાં. બળવંત ખાબડે દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બુધવારે પાછી ખેંચી લીધી હતી, એ પછી બળવંત ખાબડ તથા ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી) દર્શન પટેલની ધરપકડ કરી છે. દાહોદના ડીવાયએસપી બળવંત ભંડારી આ કેસમાં તપાસનીશ અધિકારી હતા."
"શનિવારે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા."