Publish Date: Mon, 16 Mar 2026 (09:56 IST)
Updated Date: Mon, 16 Mar 2026 (10:03 IST)
Gujarat tribal development
આદિવાસી પટ્ટામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પંચમહાલ અને દાહોદ જિલ્લાને રૂ1100 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વંચિતોને વરિયતા'ના મંત્રને સાર્થક કરતા, મુખ્યમંત્રીએ પંચમહાલમાં રૂ 732 કરોડના 112 કામો અને દાહોદમાં રૂ 367 કરોડના 1200 થી વધુ નાના-મોટા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ અને પાણીની પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
પાનમ સિંચાઈ યોજના: ખેડૂતો માટે આશીર્વાદ
આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ પાનમ જળાશય આધારિત નવી ઉદવહન (લિફ્ટ) સિંચાઈ યોજના રહી હતી. અંદાજે રૂ406 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજના અંતર્ગત 236 ફૂટની ઊંચાઈએથી પાણી લિફ્ટ કરીને 206 કિલોમીટર લાંબી પાઇપલાઇન બિછાવવામાં આવી છે. આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના 79 ગામોના 130 જેટલા તળાવોને પાણીથી ભરી દેવામાં આવશે, જેનાથી સીધો જ 86,000 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે.
બજેટમાં આદિવાસી કલ્યાણ અને સિંચાઈ પર ભાર
મુખ્યમંત્રીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ3160 કરોડના ખર્ચે 11 સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષના રૂ4 લાખ કરોડના ઐતિહાસિક બજેટમાં પણ લિફ્ટ ઈરિગેશન માટે રૂ485 કરોડની ખાસ ફાળવણી કરવામાં આવી છે. નર્મદા આધારિત યોજનાઓ દ્વારા છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાઓની 51,480 હેક્ટર જમીનને પાણી પહોંચાડવાનું મોટું લક્ષ્ય રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે.
દાહોદને 'આકાંક્ષી' માંથી 'પ્રેરણાદાયક' બનાવવાનું આહ્વાન
વિકાસની ગતિને વેગ આપતા મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાને 'એસ્પિરેશનલ' (આકાંક્ષી) કેટેગરીમાંથી બહાર લાવી 'ઇન્સ્પિરેશનલ' (પ્રેરણાદાયક) જિલ્લો બનાવવા માટે સ્થાનિક તંત્ર અને જનતાને આહ્વાન કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રમેશભાઈ કટારા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિજાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. પાણીને વિકાસનો પાયો ગણાવીને મુખ્યમંત્રીએ આ વિસ્તારના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની મક્કમતા વ્યક્ત કરી હતી.