Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પાલ-દઢવાવનો હત્યાકાંડ : વિજયનગરની આદિવાસી મહિલાઓના ગીતોમાં ગૂંજતો હત્યાકાંડ

પાલ-દઢવાવનો હત્યાકાંડ : વિજયનગરની આદિવાસી મહિલાઓના ગીતોમાં ગૂંજતો હત્યાકાંડ
, મંગળવાર, 8 માર્ચ 2022 (13:41 IST)
પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં સર્જાયેલ હત્યાકાંડ આજે સમગ્ર વિશ્વ માં ચર્ચાતો ઐતિહાસિક મુદ્દો બની ગયો છે પરંતુ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનાં આંતરિયાળ વિસ્તારમાં અંગ્રેજોએ કરેલા ક્રૂર અને જઘન્ય હત્યાકાંડ માં શહિદ થયેલા હજારો આદિવાસીઓની શહાદત આજે એક દંતકથા બનીને રહી ગઈ છ જેને ઈતિહાસમાં કયાંય સ્થાન નથી મળ્યું.ભારતદેશની આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામની અનેક ઘટનાઓ આપણે ઈતિહાસના વિષયમાં ભણી ચૂકયા છીએ તેમાં કેટલાય ક્રાંતિકારીઓની શહિદગાથાઓ આજે પુસ્તકો સ્વરૂપે અથવા તો ઈન્ટરનેટના માધ્યમથી જાણવા મળી રહી છે પરંતુ એવી કેટલીયે સત્ય હકીકતો છે જે ઈતિહાસમાં સ્થાન નથી પામી તેમજ તેને અંગ્રેજોએ જ ઈતિહાસ બનવા નથી દીધી એવી જ એક હકીકત ગુજરાતના સાબરકાંઠામાં બની જેની આખી વાત અહીં રજુ કરી છે.

સને 1919 માં પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં ચાલી રહેલી એક સભામાં હજારો ક્રાંતિકારીઓ ઉપર અંગ્રેજોએ ગોળીબાર કરીને દર્દનાયક હત્યાકાંડ સર્જયો હતો આ ઐતિહાસિક હકિકતની હૂબહૂ પ્રતિકૃતિ સને 1922માં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જેવા આંતરિયાળ ગામડામાં બની. 7મી માર્ચ 1922 ના દિવસે અંગ્રેજોએ દેશના ગરીબ ખેડૂતો પર આકરો મહેસૂલ વેરો લાદેલો આ વેરાનો વિરોધ કરવા માટે પાલ-દઢવાવ જેવા આંતરિયાળ વિસ્તારમાં એક ક્રાંતિનો નારો ગાજયો.

આઝાદીની લડાઈ વખતે રાજયનો સાબરકાંઠા જિલ્લો મહિકાંઠા એજન્સીથી ઓળખાતો હતો તેના પાલ રાવજીના ઠેકાણા ગણાતા દઢવાવ ગામે રાજસ્થાનના મેવાડના ગાંધીવાદી નેતા મોતીલાલ તેજાવતે અંગ્રેજોએ લાદેલા લગાનની વિરોધમાં એક જાહેર સભાનું આયોજન કર્યું હતુ જેમાં વિજયનગરના પાલ, પહાડા, બાવલવાડા, કાંતરવાસ, સોમ, પાનરવા, ઠેકાણા, જેવા ગામડાઓના હજારો ગરીબ આદિવાસી ખેડૂતોની હાજરી હતી આ જગ્યાએથી મહેસૂલ વેરાનો વિરોધ કરતા એક ક્રાંતિ થવાની તૈયારીમાં હતી તે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે ચળવળ બને તેમજ આદિવાસી ખેડૂતો દ્રારા લડાઈના મંડાણ શરૂ થાય તેવા ભય થી અંગ્રેજો એ તેને ઉગતી જ ડામી દેવાના પ્રયત્નો શરૂ કર્યાં.

અંગ્રેજોએ ખેરવાડા રાજસ્થાન સ્થિત મેવાડ ભીલ કોપ્સે (એમ,બી,સી) ની એક ટુકડી મેજર એસ, જી શટ્ટન અને સુબેદાર સુરજી નિનામાની આગેવાની હેઠળ ખડકી દેવામાં આવી. 1922ની 7મી માર્ચના રોજ ખૂબજ શાંતિથી ખાનગીમાં ચાલી રહેલી આ સભામાં અંગ્રેજોની કૂટનીતિથી સભામાં હાજર રહેલા ખેડૂત ક્રાંતિ કારીઓને મોત ને ઘાટ ઉતારવાની સાજીશની વિચારણા કરવામાં આવી પરંતું કોઈક અંગ્રેજોના મળતીયા દ્રારા મંજર એચ, જી શટ્ટર્ને કંઈક અજૂગતું થવાના એંધાણ મળ્યા અને મેજરે સભામાં શાંતીથી પ્રવચન સાંભળી રહેલા હજારો ગરીબ આદિવાસી ખેડૂતો પર ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો.

હજી તો સભામાં હાજર રહેલા લોકોને મુખ્ય મુદ્દાની સાચી સમજણ મળે એ પહેલા જ અંગ્રેજોના અમલદારો દ્રારા લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અંગ્રેજોની આ ક્રૂર લીલા થી બચવા આશરે દસ હજારથી વધુની મેદની પોતાનો જીવ બચાવવા દોડવા લાગી આ પરિસ્થિતીમાં કેટલાય લોકો ભાગવા માં જ ગોળીઓનો શિકાર બન્યા તો કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા સભા સ્થળની બાજુએ આવેલા ઢેબરીયા કૂવામાં પડયા તો કેટલાકને અંગ્રેજોના અમલદારોના ઈશારેજ કૂવામાં નાખી દેવામાં આવ્યા તેમ છતાંય દાઝ ન હાલવાઈ અને તેમણે કૂવામાં પણ ફાયરીંગ કરવાનું ચાલું રાખ્યું આ ઘટનામાં બારસોથી વધુ ખેડૂતો મોત ને ઘાટ ઉતર્યા.
મહેસૂલ વેરાની વિરોધમાં સભાને સંબોધ નાર મોતીલાલ તેજાવતને પણ હાથે હોળી વાગી તેમને બચાવવા લોકો એ ઘોડા ઉપર બેસાડીને આજુબાજુના ડુંગરમાં સંતાડી દેવા માટેની વ્યવસ્થા ગોઠવી. જલિયાવાલા બાગની ઘટનામાં પણ લોકો કૂવામાં પડયા હતાં અને દઢવાવની આ ઘટનામાં પણ લોકો પોતાનો જીવ બચાવવા કૂવામાં પડયા હતા. આ હકીકત માં બંન્ને ઘટનાઓ આમતો હૂબહૂ મળે છે પણ સ્થળ અને ચળવળનો મુદ્દો અલગ પડે છે.

અંગ્રેજોને એક વાર વિશ્વમાં જલિયાવાલા બાગના હત્યાકાંડથી પોતાની ટીકા સહન કરવી પડી હતી પરંતું દઢવાવના આ હત્યાકાંડની ટીકા તેઓ સહન કરવા નહોતા માગતા એટલે તેમણે ઢેબરીયા કૂવામાં પડીને મરી ગયેલા હાડકાઓને પણ વારંવાર કૂવામાંથી બહાર કાઢીને મોત ના પુરાવાઓનો નાશ કરવામાં પણ કંઈજ બાકી ના રાખ્યું તે ઉપરાંત આ વિસ્તારના લોકો ને પણ બનેલી ઘટના વિશે કોઈને માહિતી ના આપવા વારંવાર ડરાવની ધમકીઓ આપવામાં આવતી લોકો સભામાં થયેલા ગોળીબારથી બચવા જે કૂવામાં પડયા હતા તે કૂવાને પણ દર્દવિહિન અંગ્રેજોએ પુરી દીધો હતો.

તે દિવસથી લઈને આજ દિન સુધી આ ઘટના કયારેય પ્રકાશમાં નથી આવી કારણ કે જો આ ઘટના ઈતિહાસ બને તો અંગ્રેજોની આબરૂ ઉપર સવાલ ઉભા થાય એટલે તેની એક પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુધ્ધાં નોંધવામાં નથી આવી. દઢવાવના ગરીબ આદિવાસી ખેડૂતો અંગ્રેજોના આ ક્રૂર કૃત્યથી ખૂબ જ ગભરાઈ ગયા હતા પણ કહેવાય છે કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે બસ એજ કહેવત સાર્થક થઈ અને આખી ઘટના આદિવાસીઓના લોકગીતો માં 7મી માર્ચ 1922ના દિવસે થયેલી શહાદત રૂપે ગવાતી થઈ.

ગીતો સ્વરૂપે ગવાતી આ શહાદત આમ તો વર્ષો સુધી માત્ર એક દંતકથા બનીને રહી ગઈ હતી પરંતુ વિજયનગરના આસપાસના ગામડાઓના કેટલાક શિક્ષિત તથા બુધ્ધિજીવી લોકોએ ગીતો માં વહેતા શબ્દોને ઓળખી પાડયા અને સાચી વાતની જાણકારી મેળવવાનો પ્રયત્ન આદર્યો ત્યારે આ ઘટનાને રૂબરૂ જોનારા બે ત્રણ બુઝુર્ગો આજુબાજુના ગામડામાં હયાત હોવાની માહિતી મળી અને તેમણે સમગ્ર ઘટનાની વિગતવાર દર્દ છલકાવતી અંગ્રેજી હૂકૂમત દ્રારા થયેલી વરવી ઘટનાની વાસ્તવિકતા રજુ કરી અને આખી વાત પ્રકાશમાં આવી ત્યાં સુધી દેશના કોઈ ઈતિહાસવિદ પણ ઘટનાને જાણી શકયા ન હતા અને આજે પણ માત્ર જૂજ લોકો જ આ હકીકતને જાણે છે. આ ઘટનામાં શહિદ થયેલા લોકોની યાદમાં રાજય સરકારે પાલ ગામ ખાતેની પ્રાથમિક શાળાના પટાંગણમાં વનવિભાગની મદદ લઈને એક હજારથી વધુ વૃક્ષો વવડાવીને એક શહિદ સ્મારક બનાવ્યું છે .

વિજયનગર તાલુકાના વાંકડા ગામના અગ્રણી અને ખેડૂત સુરેશભાઈ પરમાર આ ઘટનાને એક પુસ્તક રૂપે પ્રગટ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ એ જણાવ્યું હતું કે પાલ-દઢવાવની આ ઘટના ખૂબ ઓછા લોકો ને ખબર હશે. ઈતિહાસ ભણતા લોકો પણ તેનાથી અજાણ હશે કારણ કે તેને હજી સુધી ઈતિહાસમાં સ્થાન મળ્યું નથી એટલે જ હું સમગ્ર ઘટનાનો જીણવટથી અભ્યાસ કરીને તેને એક પુસ્તક રૂપે લોકો સમક્ષ મુકવા માંગું છું. તે ઉપરાંત તેઓ જણાવે છે કે મેં આ ઘટનાની જાણ રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ કરી હતી તેમણે પાલ ગામની પ્રાથમિક શાળામાં વનવિભાગની મદદથી એક હજારથી પણ વધુ વૃક્ષો વવડાવીને એક શહિદ સ્મારક તથા શહિદોની યાદમાં તા – 22-06-2003ના રોજ એક સ્મૃતિવન ખૂલ્લુ મુકયું છે તેમજ આ ઘટનાના સાક્ષી ચીતરીયા ગામના યાકુબભાઈ પીત્તરભાઈ ઘોઘરા, વાંકડા ગામના નેમાજી સુકાજી નિનામા નું શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની મૌન રેલી, પોલીસે કરી અટકાયત