રાજ્યભરમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ રહ્યું હતું. 44.3 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો અમદાવાદમાં પણ 44.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડીગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશે. 1 મે બાદ ગરમીથી રાહત મળી શકે છે.
રાજ્યમાં હીટ વેવનો કહેર છે. ગરમી વચ્ચે પાણીના પોકાર પણ હવે સંભળાઇ રહ્યા છે. રાજ્યનાં જળાશયોમાં હવે પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો થઇ ગયો છે. ઉત્તર ગુજરાતમાં માત્ર 14 ટકા જળસંગ્રહ છે જેમાંથી લાઇવ સ્ટોરેજ માત્ર 9 ટકા જ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 ટકા કરતાં પણ ઓછું લાઇવ સ્ટોરેજ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકા જ્યારે કચ્છમાં 19 ટકા તો સૌરાષ્ટ્રના જળાશયોમાં 37 ટકા પાણી છે. રાજ્યના કુલ જળાશયોમાંથી 50 ટકા જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે.
સમગ્ર રાજ્યમાં માત્ર એક જ જળાશયમાં 90 ટકાથી વધારે જળસંગ્રહ છે. 50 જળાશયમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. બીજી તરફ, રાજ્યના 6 જિલ્લાના 13 તાલુકાઓના 46 ગામોમાં 26 ટેન્કર દ્વારા 97 ફેરા કરવામાં આવી રહ્યા છે. કચ્છના 6 તાલુકાના 28 ગામોમાં ટેન્કરના 52 ફેરા થઇ રહ્યા છે. રાજ્યના 95 ટકા ઘરોમાં ઘરઆંગણે નળજોડાણથી પાણી મળી રહ્યું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યાં ટેન્કરના સૌથી વધારે ફેરા થાય છે એ કચ્છ જિલ્લો નળજોડાણથી 100 ટકા આવરી લેવાયો હોવાનું સરકાર કહે છે.
રાજ્યના 16 જિલ્લાનાં તમામ ઘરોને આંગણે પાણીનો દાવો
જલ જીવન મિશન ડેશબોર્ડની માહિતી મુજબ, છેલ્લાં 3 વર્ષમાં જલ જીવન મિશન હેઠળ રૂ. 7 હજાર કરોડનો ખર્ચ કરાયો છે. રાજ્યના 33માંથી 16 જિલ્લાઓના તમામ ઘરો ઘરઆંગણે નળજોડાણથી આવરી લેવામાં આવ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 91.77 લાખ ઘરોમાંથી 87 લાખ ઘરો નળજોડાણથી આવરી લેવાયેલાં છે.