Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓએ એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે

ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓએ એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે
, બુધવાર, 26 મે 2021 (12:04 IST)
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક રહી છે. આ લહેરમાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ સમયમાં સરકારે 10 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ફરીવાર એક નવો કોર્સ કરવો પડશે.રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે ધોરણમાં ભણતા હોય તેના પાછલા ધોરણના અભ્યાસક્રમને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.

બ્રિજ કોર્સ માટેનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. આ સાહિત્ય વિદ્યાર્થીઓને 7 જૂન સુધીમાં પહોંચાડવામાં આવશે. બ્રિજ કોર્સ અંગે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવનાર છે. બ્રિજ કોર્સ પૂર્ણ થયા બાદ શિક્ષકો દ્વારા ચકાસણી કરાશે અને વિદ્યાર્થીઓના અભ્યાસની બાબતો જાણી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ અંતર્ગત અધ્યયન કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલ, યૂટ્યૂબ, વોટ્સએપ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા તેમજ ઘરે શીખીએ સાહિત્યના માધ્યમથી હોમ લર્નિંગ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો.રાજ્યમાં 7 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.

રાજ્ય સરકાર દ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતમાં એક માસ દરમિયાન જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. જૂન-2021થી વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવશે તે ધોરણના પુર્વના એટલે કે પાછળના ધોરણનો અભ્યાસક્રમ બ્રિજ કોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણના અભ્યાસક્રમને સમજવા સંબંધિત ધોરણના લર્નિંગ આઉટકમની સમજનો સમાવેશ કરી બ્રિજકોર્સ ક્લાસરેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય ધો.1 માટે શાળા તાત્પરતા, ધો.2, 3 માટે વર્ગ તાત્પરતા, ગુજરાતી, ગણિત, ધો.4થી 9 માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી તેમજ ધો.10 માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કેજીબીવી, મોડલ, મોડલ ડે, આશ્રમ શાળાઓના ધો.1થી 10ના વિદ્યાર્થીઓને આ સાહિત્ય ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા 7 જૂન, 2021 સુધીમાં પહોંચાડવામાં આવશે. આ સાહિત્યની સોફ્ટકોપી સમગ્ર શિક્ષા કચેરીની વેબસાઈટ પર પણ મુકવામાં આવનાર છે.  7 જૂનથી 9 જૂન દરમિયાન ધો.1થી 10 શિક્ષકો માટે બ્રિજકોર્સ અંગેની તાલીમનું આયોજન બાયસેગ અને એમએસ ટીમ્સ મારફતે જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સહયોગથી કરવામાં આવશે. 10 જૂનથી સમગ્ર રાજ્યમાં ધો.1થી 10ના વિદ્યાર્થીઓને એક માસ માટે આ બ્રિજકોર્સ મટિરિયલનો ઉપયોગ કરી અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. ધો.1થી 10ના વિદ્યાર્થીઓએ આ મટિરિયલના અધ્યયન કાર્યમાં ગત વર્ષના પાઠ્ય પુસ્તકોનો પણ ઉપયોગ કરવાનો રહેશે.ધો.1થી 5ના વિદ્યાર્થીઓએ આ મટિરિયલમાં લેખન કાર્ય કરવાનું રહેશે તેમજ ધો.6થી 10ના વિદ્યાર્થીઓએ અલગ નોટબુક બનાવવાની રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા લેખન કાર્ય કરેલા બ્રિજકોર્સ સાહિત્યની શિક્ષક દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયેથી ચકાસણી કરવામાં આવશે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓના લર્નિંગ લેવલ તેમજ તેઓએ અભ્યાસ કરેલી બાબતો જાણી શકે અને તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. ધો.1માં જૂન 2021થી પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે શાળા તત્પરતા સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. ધો.1ના બાળકોને વાલી તથા શિક્ષકની મદદથી આ અધ્યયન કાર્યમાં જોડવાના રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશમાં કોરોનાનો કહેર કાયમ : દેશમા 1 દિવસમાં 4172 લોકોના મોત, નવા કેસ ફરી 2 લાખ પાર