રાજકોટમાં NCPના કાર્યાલય ખાતે છેલ્લા 5 દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની આજે તબિયત વધુ લથડતા 108ની ટીમ NCP કાર્યાલય પહોંચી સારવાર હાથ ધરી હતી. ઓક્સિજન લેવલ, સુગર સહિતના પ્રશ્નો ઉભા થતા રેશ્મા પટેલને HCG ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ રાજકોટ દોડી આવ્યા છે અને રેશ્મા પટેલની તબીયત સારી થાય તેવી પ્રાર્થન કરી હતી. જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, સરકાર લોખંડી છે અને કાટ ચડેલી પણ છે.ગઇકાલે તબિયત ખરાબ હોવા છતાં પણ રેશ્મા પટેલ અને કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો. જ્યાં રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે, મને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને દરરોજ આમ જ રસ્તા પર બેસી વિરોધ કરશું.
જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે. સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે.રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને કોરોના દર્દીઓની હાલાકી બંધ થાય. જેમાં શહેર લેવલની હોય કે પછી ગામડા લેવલની. આથી ગામડે ગામડે કોવિડ સેન્ટર ઉભું કરી દ્યો અમને જવાબદાર અધિકારીઓના નંબર જાહેર કરી દેવામાં આવે જેનાથી આપણું ગુજરાત કોરોનામુક્ત થઇ શકે. આ પત્ર મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો હતો પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી. જવાબ ન મળતા મેં આમરણાંત ઉપવાસ શરૂ રાખીશ.કાળા વસ્ત્રો ધારણ કરવાના કારણ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીની ભાજપ સરકાર માત્રને માત્ર વાતો અને તાયફાઓ કરે છે. ધમણની વાતો કરી તો ક્યાં ગયા ધમણ. એક કરોડ દવા સંગ્રહી રાખી છે તે ક્યાં ગઇ. ઓક્સિજનને લીધે કોઇ મર્યુ નથી તેવું કહે છે. કાળા બજારીયાઓ બેફામ ફરી રહ્યાં છે છતાં સરકાર કંઇ કરી શકતી નથી. હવે તો વેક્સિનની પણ કાળાબજારી શરૂ થઇ ગઇ છે. તેની પાછળ એકમાત્ર સરકાર જવાબદાર છે. દરેક નેતાઓએ બહાર આવવાની જરૂર છે.