એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે સમગ્ર ગુજરાતમાં 6 હજારથી વધુ દૈનિક કેસો નોંધાયા હતા અને 55 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જોકે ગુજરાતમાં એવાં ઘણાં ગામો છે જે સ્વયં શિસ્ત અને સાવચેતી દાખવી રહ્યાં છે, જેને કારણે ત્યાં કોરોનાના કેસો નહિવત છે અથવા તો એકપણ કેસ નોંધાયો નથી.
આવું જ એક ગામ અમરેલી જિલ્લાનું છે. અમેરલીના શિયાળબેટમાં અત્યારસુધીમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ગુજરાતના દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામ 1 વર્ષ પછી પણ કોરોનામુક્ત ગામ છે. આ ગામમાં 6 હજાર ઉપરાંતની વસતિ છે અને માછીમારી સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે. અમરેલી જિલ્લામા આવેલા જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર શિયાળ બેટ ગામ અહીં વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કેબલ મારફત વીજળી પહોંચાડી અને ત્યાર બાદ નર્મદાનું મીઠું પાણી પણ પહોંચાડાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત ચકાસણી પણ કરવામાં આવે છે અને વેક્સિનેશન કેમ્પ પણ સતત ચાલી રહ્યા છે.શિયાળ બેટમાં કોઇપણ વ્યક્તિને જવું હોય તો પીપાવાવ જેટી નજીકથી ખાનગી બોટ મારફત શિયાળ બેટ ગામમાં પહોંચી શકાય છે. આરોગ્ય વિભાગ, ગ્રામજનો સહિત લોકો શિયાળ બેટ બોટ મારફત અવર-જવર કરે છે. શિયાળ બેટ ગામના લોકો બારેમાસ બિનજરૂરી બહાર આવતા જતા નથી. તેઓ સમયાંતરે ખરીદી માટે રાજુલા અથવા જાફરાબાદ વિસ્તાર સુધી આવે છે, જેથી તેઓ વધુ લોકોના સંપર્કમાં આવતા નથી. શિયાળ બેટના સરપંચ હમીરભાઈ શિયાળે જણાવ્યું હતું કે હજુ સુધી એકપણ કેસ નથી, જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે ત્યારથી અમારા ગામમાં કોઇને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી. વેક્સિનની કામગીરી ચાલુ છે અને અત્યારસુધીમાં 500 ઉપરાંતને વેક્સિન આપવામાં આવી છે. મોટા ભાગે અમારા ગામના રહેવાસીઓ બહાર આવતા-જતા નથી. અમરેલી જિલ્લાના મેડિકલ ઓફિસર એ.કે.સિંગે જણાવ્યું હતું કે શિયાળ બેટમાં કોરોનાનો કોઇ કેસ નથી. વેક્સિન અપાય છે. લોકોની અવરજવર નથી અને ગ્રામજનો ટાપુમાં રહે છે, જેથી અહીં કેસ નોંધાયા નથી.