Publish Date: Mon, 26 Oct 2026 (11:10 IST)
Updated Date: Mon, 26 Oct 2026 (11:50 IST)
હાલમાં ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે 'વોટ ચોરી'નો મામલો ભારે ચર્ચામાં છે. તાજેતરમાં મહેસાણા સ્થિત કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના સાંસદે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોનો સખત વિરોધ કરતા ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું અમિત ચાવડા કે કોંગ્રેસના કોઈપણ નેતા સાથે જાહેરમાં ડિબેટ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. ડિબેટ દ્વારા હું સત્ય જનતા સમક્ષ મૂકીશ. કોંગ્રેસ પાસે હવે કોઈ આધાર ન હોવાથી પાયાવિહોણા આક્ષેપો કરીને હવાતિયાં મારી રહી છે."
"કોંગ્રેસ પાસે જનતા વચ્ચે જવા કોઈ મુદ્દા બચ્યા નથી" - નીતિન પટેલ
કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસ પાસે જનતા સમક્ષ જવા માટે કોઈ વાસ્તવિક મુદ્દાઓ રહ્યા નથી, તેથી તેઓ માત્ર ખોટા આરોપો લગાવવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અફવાઓ ફેલાવીને ગુજરાતની ભોળી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ સરકાર અને પક્ષનો બચાવ કરતા તેમણે હુંકાર કર્યો હતો કે, "ખુલ્લા મંચ પર અમારા પક્ષ અને સરકાર વતી તમામ સાચી હકીકતો પ્રજા સમક્ષ મૂકવા હું તૈયાર છું. સત્ય શું છે અને તે અમારા પક્ષે કેવી રીતે છે, તે હું જનતાને ચોક્કસથી સમજાવીશ."
તુષાર ચૌધરીએ નીતિન પટેલની ચેલેન્જ સ્વીકારી, સમય અને સ્થાન નક્કી કરવા કહ્યું
બીજી તરફ, ભાજપના આ પડકાર સામે કોંગ્રેસ પણ પાછી પાની કરવા તૈયાર નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીએ નીતિન પટેલની આ ચેલેન્જને તુરંત જ સ્વીકારી લીધી છે. તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે, "અમે કોઈપણ મુદ્દે અને કોઈપણ જગ્યાએ ચર્ચા કરવા માટે બિલકુલ તૈયાર છીએ. ભાજપના નેતાઓ જે સ્થળ અને જે સમય નક્કી કરશે, અમે ત્યાં ડિબેટ માટે પહોંચી જઈશું."