ગુજરાતમાં વધી રહેલા કેસથી સરકારી તંત્ર એક્શનમા, સાંજે 5 વાગ્યે આરોગ્યમંત્રી રાજ્યની પરિસ્થિતિની આપશે માહિતી
કરફ્યુનો સમય વધશે કે લગ્ન અને અન્ય સભાઓ પર લાગશે પ્રતિબંધ ?
રાજ્યભરમાં વકરી રહેલા કોરોનાને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકાર સાંજે ગાઇડલાઇન્સ બહાર પાડશે, જેમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે. એની સાથે સાથે રાજકીય અને સામાજિક મેળાવડાઓમાં પર નિયંત્રણો આવી શકે છે, જ્યારે લગ્ન સમારોહ અને અંતિમવિધિમાં પણ લોકોની સંખ્યા ઘટાડવામાં આવશે. સ્કૂલો મામલે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી જીદે ચઢેલા છે, પણ કોરોના વિસ્ફોટ જોતાં ધોરણ 1થી 8ની સ્કૂલો ફરી બંધ કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં 548 નવા કેસ
બુધવારે ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના 548 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સાડા છ મહિનાથી વધુ સમય બાદ એક જ દિવસે સંક્રમણના પાંચસોથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે કહ્યું કે આ સાથે કુલ કેસ વધીને 8,30,505 થઈ ગયા છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જોકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે, પરંતુ કડક નિયંત્રણો લાદવામાં સરકારને વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ નડી રહી છે. છેલ્લા બે દિવસથી ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ, કોર કમિટી વચ્ચે બેઠકોનો દૌર શરૂ થયો છે તેમજ કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે પણ સતત સંપર્કમાં છે. આજે વાઇબ્રન્ટ, કોરોના અને ઉત્તરાયણ અંગે સાંજે નિર્ણય લેવાઈ એવી શક્યતા છે.
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો બાદ સરકાર એલર્ટ બની ગઈ છે, જેથી કોરોનાની ગાઈડલાઈન્સનો કડક અમલ કરવાની સાંજે આરોગ્યમંત્રી જાહેરાત કરી શકે છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ-1માં પ્રેસ-કોન્ફરન્સ કરશે, જેમાં મંત્રી કોરોના સંદર્ભે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપશે.