અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આજે સવારથી ધંધુકા સજ્જડ બંધ રહ્યું છે. સવારથી તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સમગ્ર જિલ્લાની એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટીંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેઓનું બલિદાન એળે ના જાય તે માટે યુવાન અમર રહે તેવી માંગ કરવામાં આવી છે. ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે કરી એનું સ્ટેચ્યુ બનાવાવમાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો મંગળવારે મોડી રાત્રે કિશન બોડીયા નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યાની ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.