રાજ્યમાં ગરમીની શરુઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં લોકોને હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું છે. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં વધારો નહીં થાય. રાજ્યમાં 41 ડિગ્રીથી વધુ ગરમી નહીં પડે. આ આગાહીને લીધે લોકોને ગરમીમાં રાહત મળશે.હવામાન વિભાગની આગાહીને પગલે આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં કોઈ વધારો નહિ થાય.
મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસોમાં સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજયમાં ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર ,સોમનાથ, પોરબંદર , સુરેન્દ્રનગર, અમદાવાદ , રાજકોટ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ,સાબરકાંઠામાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજયમાં ગરમીથી લોકોને રાહત મળી રહી છે જો કે ઉનાળાનો તાપ આકરો સહન કરવો લોકો માટે અઘરો બની ગયો છે. હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો સતત ઉપર જતાં કાકંરિયા ઝૂમાં વિશેષ વ્યવસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે ઊભી કરવામાં આવી છે. આગ ઓકતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળી રહે એ માટે પ્રાણીસંગ્રહાલય દ્વારા 25 જેટલાં કૂલર, ગ્રીન નેટ લગાવવાની સાથે પાણીનો છંટકાવ પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત વૃક્ષા રોપણની પણ કામગીરી કરવામાં આવી છે તો તાપમાન 45 ડીગ્રી નોંધાશે તો એન્ટી- ઈસ્ટ્રેસ દવા આપવાની પણ તૈયારી ઝૂ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન
અમરેલી - 41
કંડલા પોર્ટ - 41
રાજકોટ - 41
સુરેન્દ્રનગર - 41
અમદાવાદ - 40
ડીસા - 40
ગાંધીનગર - 40
વલ્લભવિદ્યાનગર - 40
વડોદરા - 40
ભુજ - 40
કંડલા એરપોર્ટ - 40