મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરીથી આ વખતે વરાછા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધનું એપી સેન્ટર બનીને બહાર આવશે. પરંતુ ગત ટર્મની ચૂંટણીમાં જે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું હતું તે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે બહુ લાભદાયક નીવડે તેવું લાગતું નથી. કેમ કે આ વખતે કેટલાક પાટીદારો કોંગ્રેસનો છેડો ફાડીને આમ આદમી પાર્ટી તરફ વળ્યા હોવાનું ગ્રાઉન્ડ લેવલ પરથી જણાયું છે. આવા સંજોગોમાં સુરત મહાનગર પાલિકાની વોર્ડ વ્યવસ્થા ત્રિસ્તરીય સંજોગોવશ થઇ શકે છે. તેમાં પણ ભાજપ પાસે નવા શોધી કાઢેલા ઉમેદવારોને જીતાડવા માટેનો પડકાર છે.
વરાછામાં પાસએ ભેરવેલા શિંગડાથી આપને લાડવો અને કોંગ્રેસને તમાશો થઇ ગયો તેવો માહોલ સર્જાયો છે. જેથી આ વખતે કાર્યકરો વચ્ચે જ આંતરિક ચૂંટણી લડાઇ જોવા મળે તો નવાઇની વાત નથી.વરાછા, પુણા, સરથાણા વિસ્તારોમાંથી ગત 2015ની ટર્મમાં 36 બેઠકો કોંગ્રેસ જીતી હતી. આ વખતે પણ કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા માટે ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપામાં તો નો-રિપિટેશનના માહોલને પગલે અસંતોષનો માહોલ છે. પક્ષના નામે પથ્થરો પણ અગાઉ તરી ગયાં હોય આ વખતે પણ નવા ચહેરાઓને પાટિલે ટિકીટ ફાળવી દીધી છે. તેથી અંદરખાને વિરોધ પણ જણાઇ રહ્યો છે પરંતુ નો-રિપિટેશન ફોર્મુલા અપનાવવા પહેલાં જ પેજ પ્રમુખની સ્ટ્રેટેજી અપનાવી એક રીતે સીધા જ વોટરોને મળી ચૂંટણી પ્રચાર જ ચલાવ્યો છે. તેથી ભાજપાએ માત્ર કોંગ્રેસના મોટા માથા સિટિંગ કોર્પોરેટરોના વોર્ડોમાં જ વધુ ધ્યાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા જોઇ શકાય છે અને તેવું આગોતરું આયોજન કરાયું હોય 120 બેઠકો જીતવાનો પાટિલ દાવો પણ કરતાં આવ્યાં છે જે આગામી 23મી ફેબ્રુઆરીએ મત ગણતરીના દિવસે સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનિય છે કે તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપી લેવાઈ છે. વિવિધ વોર્ડ-બેઠકો માટેની ટિકિટ મળતાં હવે રવિવારથી જ વિવિધ પાર્ટીઓના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ધાટન-બેનરો-બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. આપ પાર્ટીએ તો રવિવારે જ રોડ શોનું આયોજન કરી દીધું હતું. જો કે ભાજપે ડોર ટુ ડોર મુલાકાત લેવાનું આરંભી દીધુ હતું. કોંગ્રેસના કાર્યાલયોમાં પણ બેઠકોનો દોર શરૂ થયો હતો.