હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતાં ઉદ્યોગકાર ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. દિવાળીમાં પોતાના કર્મચારીઓ-રત્નકલાકારોને બોનસમાં ગાડી આપવા મુદ્દે એક સંગઠને સોશિયલ મિડીયામાં રત્નકલાકારો દ્વારા ચૂકવાતી ઈએમઆઈને લઈને કંપનીને બદનામ કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હોવાની અરજી ઉદ્યોગકારે ક્રાઈમ બ્રાંચમાં કરી હતી.સમગ્ર ઘટના પ્રમાણે, ડાયમંડ વર્કર યુનિયને શહેરના હીરા ઉદ્યોગકારની કંપની દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી દરમિયાન બોનસમાં અપાતી ગાડી અને અન્ય મોંઘી સોગાદો માટે રત્નકલાકારોના પગારમાંથી રૂપિયા કાપી લેવાનો આરોપ લગાડ્યો હતો.
આ સાથે સંગઠનનું કહેવું છે કે, ગયા વર્ષે કારીગરોને ઇન્સેન્ટીવમાં કાર અને ફલેટ આપનાર ડાયમંડ કંપનીએ અચાનક કારીગરોની બેઠક યોજી કારીગરો પાસે ચોક્કસ લખાણ પર સહી કરાવી લેવામાં આવી હતી. આ મામલો સોશિયલ મિડીયામાં ગાજતા થયા હતા. જેને લઈને આ મોટો ગજાના ઉદ્યોગકારે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તેની ચર્ચા હીરા ઉદ્યોગના અને રત્નકલાકારોના સોશિયલ મિડીયા ગૃપમાં ખુબ ગાજી રહી છે. આ વિવાદમાં હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોના સંગઠનમાં બે હોદ્દેદારોની નોકરી પણ ડાયમંડ કંપનીમાંથી ગઇ છે. આ અંગે તે ઉદ્યોગકાર સાથે થયેલી ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપની વિરુધ્ધ ખોટા સ્ટેટમેન્ટ આપીને અમને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો છે. જે પણ વાત ફેલાવી છે તેમાં કોઈ તથ્ય નથી. જેથી અમે પોલીસ ફરિયાદ કરી છે.