ઉનાળાએ રોદ્ર સ્વરૃપ દેખાડતાં ગરમીને લગતી બિમારીના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદમાં આજે ૧૩૯ વ્યક્તિ ગરમીને લગતી બિમારીના શિકાર બન્યા હતા. કાળઝાળ ગરમીમાં પેટમાં દુઃખાવો, બ્લડપ્રેશર, ચક્કર આવવાની ફરિયાદ સૌથી વધુ નોંધાઇ રહી છે. અમદાવાદમાં બુધવારે ૧૭૪ વ્યક્તિ ગરમીને લગતી બિમારીનો ભોગ બન્યા હતા.
આમ, છેલ્લા બે દિવસમાં ૩૧૩ વ્યક્તિ ગરમીને લગતી બિમારીના શિકાર બની ચૂક્યા છે. ઇમરજન્સી સેવા '૧૦૮' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા એમ ચાર મહાનગરમાં ગરમીને લગતી બિમારીના બુધવારે ૭૫૩ અને ગુરુવારે ૪૮૮ કેસ નોંધાયા હતા. આમ, બે દિવસમાં ૧૨૪૮ લોકો ગરમીને લગતી બિમારીના શિકાર બની ચૂક્યા છે. તબીબોના મતે ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા માટે પાણી, નાળિયેર પાણી, છાસ પીતા રહેવું જોઇએ. લીંબુ પાણી અને શેરડીનો રસ ચોખ્ખી જગ્યાએથી પીવામાં આવે તે પણ જરૃરી છે. બહારનો ખોરાક ખાવામાં આવે તો પેટમાં દુઃખાવો, વોમીટની સમસ્યા સર્જાઇ શકે છે.