ગુજરાત સરકારે અકસ્માતમાં ઘાયલ થયેલા કોઈ પણ વ્યક્તિને સારવાર માટે 50,000 રુપિયાની મદદની જાહેરાત કરી છે. જોકે, વર્ષ 2018-19 માટે આ યોજનામાં માત્ર 30 કરોડ રુપિયા જેવી મામૂલી રકમ ફાળવવામાં આવી છે. આટલી રકમમાં માત્ર છ હજાર લોકોની જ સારવાર થઈ શકે. જોકે, 2017માં રાજ્યમાં થયેલા અકસ્માતોમાં 16,802 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 7289ના મોત થયા હતા.સરકારે 9મી મેના રોજ જાહેરાત કરી હતી કે, અકસ્માતમાં ઘવાયેલા લોકોની ટ્રિટમેન્ટના પહેલા 48 કલાકનો ખર્ચ સરકાર ભોગવશે. વ્યક્તિ જો પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ થશે તો પણ તેને સરકાર મદદ કરશે.
આ સ્કીમ શુક્રવારથી લાગુ પડી ગઈ છે. જેમાં જણાવાયું છે કે, તેનો લાભ ગુજરાતના જ નહીં, ગુજરાતમાં અકસ્માતનો ભોગ બનેલા બહારના રાજ્યના લોકોને પણ મળશે.આ યોજનાની ગાઈડલાઈન અનુસાર, તેનો લાભ લેવા અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિના પરિવારજનની પરવાનગી જરુરી છે. વળી, અકસ્માતની પોલીસ ફરિયાદની કોપી રજૂ કરવી પણ ફરજિયાત છે. સરકાર પાસેથી જેટલી રકમનો ક્લેમ કરવામાં આવશે તેના માટેના કેસ નંબર પણ રજૂ કરવાના રહેશે. જો હોસ્પિટલ 48 કલાકમાં કેસ બીજે ટ્રાન્સફર કરે તો બંને હોસ્પિટલોને તેમણે કરેલી સારવાર મુજબ ખર્ચ ચૂકવાશે.સરકારનું કહેવું છે કે, સામાન્ય ઈજા માટે 1000 રુપિયાની મદદ કરવામાં આવશે. જ્યારે, ચહેરા પર કે ખોપરીમાં ઈજા થાય તો 2500ની સહાય કરાશે. કુલ 27 પ્રકારની ઈજાની સારવાર અને તેમાં સરકાર કેટલી આર્થિક મદદ કરશે તેનો ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરાયો છે. ગંભીર પ્રકારની ઈજા માટે 45,000 રુપિયાની મદદ કરવામાં આવશે.