તાજેતરમાં જ રાજકોટમાંથી બનાવટી ચાની ભૂકી બનાવી બજારમાં વેચતી પેઢીનો પર્દાફાશ કરાયો છે. આ પેઠી ચાની ભૂકી વિવિધ કેમિકલની સાથે લાકડાનું ભૂસું પણ ભેળવવામાં આવતું હતું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટાપ્રમાણમાં બનાવટી ચા બનાવવામાં વપરાતો જથ્થો કબજે કર્યો હતો. રાજકોટમાં પરાબજારમાં આવેલી દર્શન ટી નામની પેઢીમાં ચાની ભૂકીમાં ભેળસેળુનું કૌભાંડ પકડાયું છે. આરોગ્ય વિભાગના દરોડામાં લાકડાનું ભૂસું અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના ઘટસ્ફોટ થયા હતા. સાથે જ ભૂકીમાં કેમિકલ પાવડર પણ મિલાવવામાં આવતો હતો.
આ ડુપ્લિકેટ ભૂકીને રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની ગુયાબારી, અલંકાર, ટી ઓકે, ટાટોપાની, સન્યાસી જેવી વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દર્શન પેઢીના સંચાલકો ટ્રાન્સપોર્ટરો અને વિવિધ દૂકાનોમાંથી ૧૫-૨૦ રૂપિયા કિલોના ભાવે ચાની ભૂકી ખરીદતા હતા. અને બાદમાં આ ભૂકીમાં કલર, લાકડાનું ભૂસું વગેરે ભેળવીને માર્કેટમાં તેને ૩૦થી ૪૦ રૂપિયા કિલોના ભાવે વેચતા હતા. આરોગ્ય વિભાગે દરોડા દરમિયાન પાવડર મેકિંગ મશીન અને મિક્સિંગ પાવડર, ૬૦ કિલો ભૂસું, ૬૦ કિલો કેમિકલ કલર, ૧૦૫૦ કિલો ચાની ભૂકી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.