વિધાનસભા-લોકસભાની ચૂંટણી વખતે ગાયોના નામે ખોબલે ખોબલે મતો મેળનારાં ભાજપના સત્તાધીશો સત્તા હાંસલ કર્યા બાદ બધુ જ ભૂલી ગયા લાગે છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર નિમાયેલી સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ૩૧ કતલખાના શોધી કાઢ્યા હતાં પણ નવાઇની વાત એછેકે, રાજ્ય સરકાર પશુઓની કતલ કરનારાં કસાઇઓ સામે કોઇ પગલાં જ ભર્યા નહીં. સુપ્રિમ કોર્ટમાં લક્ષ્મીનારાયણ મોદી વિરૃદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા રીટ પિટીશન કેસમાં આપેલા ચુકાદા મુજબ રાજય સરકારે ગુજરાતમાં સ્લોટર હાઉસ કમિટીના રચના કરી છે.
ગુજરાત વિધાનસભામાં આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન પૂછતાં સરકારે એ વાતનો સ્વિકાર કર્યો છેકે, ડિસેમ્બર,૨૦૧૭ સુધીમાં સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ૩૧ કતલખાનાની ઓળખ કરી છે પણ હજુ સુધી કતલખાના ચલાવતાં કસાઇઓ સામે સરકારે કોઇ પગલાં લીધા નથી. સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ માત્ર ગેરકાયદેસર કતલખાનાની ઓળખ કરીને સંતોષ માણી લીધો છે. આમ,ગાયોના નામે મતો માંગનાર ભાજપ સરકારે જ કસાઇઓ પ્રત્યે જાણે કુણુ વલણ દાખવ્યુ છે. ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં ય સરકાર રસ દાખવતી નથી.