શહેરના રાજપથ ક્લબ પાસે 23 ફેબ્રુઆરીના રોજ એક બેંકની કેશવાનમાંથી 98 લાખ રુપિયા જેટલી માતબર રકમને લૂંટીને નાસી ગયેલા તે જ કેશવાનના ડ્રાઈવરને પોલીસે ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યો છે. આ ડ્રાઈવર છેલ્લા ઘણા દિવસથી ફરાર હતો. આ ગુનાને અંજામ આપનારા ડ્રાઈવરનું નામ સુધીર બાગલ હોવાનું બહાર આવ્યું છે. તેને પકડવા માટે પોલીસની ટીમે ઘણા સમયથી યુપીમાં ધામા નાખ્યા હતા. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેંકોના એટીએમમાં કેશ લોડ કરવાનું કામ કરતી એક કંપનીમાં સુધીર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. 23 ફેબ્રુઆરીના રોજ તે પોતાના બે સાથીઓ સાથે ડ્યૂટી પર હતો. તેની કેશવાન આખો દિવસ શહેરમાં ફરી સાંજે રાજપથ ક્લબ પાસે પહોંચી હતી.
આ દરમિયાન સુધીરે પોતાના બે સાથીદારોને નશીલું દ્રવ્ય પીવડાવી દેતા બંને બેભાન થઈ ગયા હતા. સુધીરે પીવડાવેલું કેફી દ્રવ્ય પીવાથી બેભાન થઈ ગયેલા તેના સાથીઓ ત્રણ કલાકે ભાનમાં આવ્યા હતા. તેમના ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. જોકે, ત્યાં સુધીમાં સુધીર હાથતાળી આપીને નાસી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સુધીર એક્સ આર્મીમેન છે. પોલીસનું કહેવું છે કે, આ સમગ્ર ઘટના પૂર્વનિયોજીત હતી, અને તમામ આરોપીઓ ચાંદખેડામાં મકાન ભાડે રાખી રહેતા હતા.પોતાના સાથીઓ બેભાન થઈ જતા સુધીરે અગાઉ નક્કી કરાયેલા પ્લાન અનુસાર, પોતાના દોસ્તને બોલાવી લીધો હતો, અને બંને તેની બાઈક પર 98 લાખ કેશ કેશ ભરેલી આખી લઈને પળવારમાં જ ગાયબ થઈ ગયા હતા. પોલીસને શંકા હતી કે, સુધીર ગુનાને અંજામ આપી ચોક્કસ પોતાના ગામડામાં જ જશે. તે યુપીનો હોવાથી પોલીસની ટીમ પણ છેલ્લા કેટલાક દિવસથી યુપી પહોંચી હતી. સુધીરને પકડવા માટે સ્થાનિક પોલીસનો પણ સપોર્ટ મળ્યો હતો.