વીરપુર (જલારામ)માં જલારામજી વિદ્યાલયનાં વર્ગખંડોની અત્યંત જર્જરિત હાલતનાં કારણે ધો.૧૦નાં વિદ્યાર્થીઓ ના છૂટકે લોબીમાં બેસી પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. ગુજરાતમાં એક તરફ વિકાસનાં દાવાઓ કરવામાં આવે છે. ભણે ગુજરાતનાં નારા લગાવવામાં આવે છે. ત્યારે બીજી બાજૂ વાસ્તવિક સ્થિતી વિપરીત છે. વીરપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ જલારામજી વિદ્યાલયની આ વિદ્યાલયમાં ધોરણ ૧૦નું પરીક્ષા કેન્દ્ર આપવામાં આવેલ છે, શાળામાં કુલ ૪ વર્ગ ખંડ છે, જેમાંથી મોટા ભાગના વર્ગ ખંડની હાલત અતિ જર્જરિત બની ચુકી છે, ત્યારે અતિ ખરાબ અને જર્જરિત વર્ગ ખંડને લીધે ધોરણ ૧૦ના પરીક્ષાર્થીઓએ ખુલ્લામાં સ્કુલની લોબીમાં બેસીને પરીક્ષા આપવાનો વારો આવ્યો છે
. શાળાની છતમાંથી ગમે ત્યારે તેમાંથી પોપડા પડે તેવી જર્જરિત હાલત છે, જે જોતા પરીક્ષાર્થીઓએ પોતાનો જીવ જોખમમાં નાખીને પણ બહાર લોબીમાં પેપર લખવાનો વારો આવ્યો છે. શાળાની જર્જરિત હાલત અંગે જયારે પ્રિન્સિપાલને પુછાતા તેઓએ જણાવેલ કે ગામના સરપંચથી માંડીને મુખ્યમંત્રી સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી અને તેઓની તમામ રજૂઆતો બહેરા કાને અથડાય છે. સરકારનું સૂત્ર છે કે ભણે ગુજરાત શું તૂટેલી ફૂટેલી શાળાઓમાં જીવ જોખમાં મૂકીને ભણશે ગુજરાત? જો સરકારની આવી જ નીતિરીતિ રહી તો સરકારી શાળાઓ ખાડે તો ગઈ છે પણ હવે તાળાં મારવાનો વારો આવશે.