ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતા નર્મદાના પાણી મામલે સરદાર સરોવર નર્મદા નિગમ અને ગુજરાત સરકાર તેમના ભ્રષ્ટચારને છુપાવવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. શાખા નહેર સાથે જોડવા માટેનું એકમાત્ર કારણ માઇનોર-સબ માઇનોરના બાંધકામમાં થયેલો અસાધારણ ભ્રષ્ટાચાર છે તેવો આક્ષેપ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત ખેડૂત સમાજે જણાવ્યું છે કે, 'માળિયા બ્રાન્ચ કેનાલમાં જોવા મળ્યું છે કે માઇનોર કે સબ માઇનોરમાં એકપણ વાર પાણી છોડાતું નથી. મોટાભાગની માઇનોર-સબ માઇનોર બનાવીને રાખી છે પરંતુ તેને શાખા નહેર સાથે ઇરાદાપૂર્વક જોડી નથી.
કેમકે, જોડે તો પાણી છોડવું પડે, પાણી છોડે તો નહેર ધોવાઇ જાય અને ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડે. માઇનોર સબ માઇનોરમાં પાણી નહીં છોડાતા ખેડૂતોને નાછૂટકે મશિન મૂકીને સિંચાઇ કરવી પડે છે. નિગમની બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. પાણી આવ્યાને ૧૬ વર્ષ થવા છતાં માઇનોર-સબ માઇનોર કેનાલમાં પાણી છોડી શકાય નહીં એટલું બિન કાર્યક્ષમ નિગમ ક્યાંય જોવા મળે નહીં. આગામી સમયમાં રાજ્યભરના ખેડૂતોની બેઠક થશે અને ભાવિ કાર્યક્રમ ઘડાશે. જેમાં ભ્રષ્ટાચારમાં ડુબેલા નિગમ પાસેથી પાણી અને પૈસાનો હિસાબ મેળવવાનો ઉગ્ર કાર્યક્રમ હાથ ધરાશે.