ભાજપ સરકારના વિવિધ ખાતાઓની કામગીરી પર બાજનજર રાખવા કોંગ્રેસે શેડો મિનિસ્ટ્રી રચવા આયોજન ઘડયુ હતું. જોકે,ધારાસભ્યોએ ઝાઝો રસ ન દાખવતાં કોંગ્રેસે આ કન્સેપ્ટ રદ કરવો પડયો છે. હવે કોંગ્રેસે ભાજપના પાવર મિનિસ્ટ્રી સામે પિપલ મિનિસ્ટ્રી રચવા ન્યૂ કન્સેપ્ટ અજમાવવા નક્કી કર્યુ છે. જનતાના પ્રશ્નો વિપક્ષના કાર્યાલય સુધી પહોંચે,સરકાર પર દબાણ લાવી લોકપ્રશ્નો ઉકેલવા કોંગ્રેસ માધ્યમ બની રહેશે. દહેગામ પાસે એક ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંપ્રશ્નો ઉઠાવવાથી માંડીને સંસદીય કામગીરીના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે. સૂત્રો કહે છેકે, કોંગ્રેસે સરકારની જેમ જ શેડો મિનિસ્ટ્રી રચવા નક્કી કર્યુ હતું. વિદેશનો કન્સેપ્ટ ગુજરાતમાં પ્રથમવાર અમલ થાય તે પહેલાં જ તને રદ કરવો પડયો છે.કોંગ્રેસના ધારાસભ્યોને શેડો મિનિસ્ટ્રીમાં રસ જ નથી. હવે પિપલ મિનિસ્ટ્રી બનાવવા નક્કી કરાયુ છે. વિવિધ સમસ્યાના મુદ્દે આમજનતા વિપક્ષના કાર્યાલય સુધી પહોંચે તે માટે આ ન્યુ કન્સેપ્ટ અજમાવવામાં આવી રહ્યો છે. ગામડાના લોકોને ગાંધીનગર સુધી આવવુ ન પડે તે માટે ફેસબુક,વોટ્સએપ,ઇમેલથી વિપક્ષના કાર્યાલય સુધી પ્રશ્ન મોકલી શકાશે.આ લોકપ્રશ્નોને સરકારના વિવિધ ખાતામાં મોકલીને તેનો ઉકેલ લાવવા પ્રયત્નો કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છેકે, આજે ભાજપ સરકાર લોકોના પ્રશ્નો સાંભળતી નથી,લોકપ્રશ્નો ઉકેલવામાં રસ દાખવતી નથી ત્યારે લોકપ્રશ્નો સાંભળીને તેને ઉકેલવા માધ્યમ બને તો,કોંગ્રેસ સબળ વિપક્ષ તરીકે ઉભરી શકે છે. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનુ નામ નક્કી થયા બાદ હજુ ય ઉપનેતા,દંડક,જાહેર હિસાબ સમિતી અને કામકાજ સલાહકાર સમિતીના નામોના મુદ્દે કોંગ્રેસમાં કોઇ સહમતિ સાધી શકાઇ નથી. અંદરોઅંદરના ડખાંને લીધે તાલીમ શિબીરમાં ય નામોની ચર્ચા થઇ શકી નહીં. દાણિલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે દંડક માટે ના પાડી દીધી હોવાનું ચર્ચાય છે. આ તરફ,વિપક્ષ નેતા બનવા ઇચ્છુક અશ્વિન કોટવાલે પણ ઉપનેતા,દંડક બનવામાં રસ દાખવ્યો નથી. સિનિયર નેતાઓ પણ પરેશ ધાનાણીને વિપક્ષપદ સોંપાતાં અંદરખાને નારાજ છે. આમ,કોંગ્રેસમાં આંતરિક ડખાં સર્જાયા છે. બનાસકાંઠા જીલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઇ રહી છે ત્યારે બે બેઠકોની ટિકિટની વહેંચણીમાં ગેરરીતી થઇ હોવાની ફરિયાદ છેક પ્રભારી સુધી પહોંચી છે. આ મુદ્દે પ્રભારી ગેહલોતે તપાસ કરીને કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પણ આ મુદ્દે પૃચ્છા કરી હતી.ટિકિટની વહેંચણીમાં ગેરરીતી થયાની ફરિયાદથી ગેહલોત પ્રદેશના નેતાઓથી ફરી નારાજ થયાંછે.ઉલ્લેખનીય છેકે,બનાસકાંઠામાં ડખાં સર્જાતા પાયાના નેતાઓએ ભાજપની વાટ પકડી લીધી છે જેથી જીલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડી શકે છે.