રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આગામી ૧૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો પર વોચ રાખવા માટે પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર હાજર રહેશે. વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પ્રશ્ન પૂછીને ગેરહાજર રહેવા અથવા સરકાર ભીડાઈ જાય તેવા સવાલોમાં પેટા પ્રશ્ન ન ઉઠાવવા સહિતના સરકાર સાથેના ‘સેટિંગ'ની પ્રવૃત્તિ આચરતા હોવાની હાઈકમાન્ડ સમક્ષ પહોંચેલી ફરિયાદને પગલે ઓબ્ઝર્વરને વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રાખવાનો નિર્ણય લેવાયો છે. અલબત્ત, ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી ગુજરાત કે ગુજરાત બહારના આગેવાનને સોંપવામાં આવશે? અને આ ‘વોચ' સમગ્ર બજેટ સત્ર દરમિયાન રખાશે કે ચોક્કસ દિવસોમાં એ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું કે, વિધાનસભાના આગામી બજેટ સત્ર પહેલાં કોંગ્રેસના ચૂંટાયેલાં નવા ૪૧ સહિત ૭૭ ધારાસભ્યોને વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉઠાવવા, વિવિધ વિભાગો અને બજેટ પરની ચર્ચામાં કેવા મુદ્દા કઈ રીતે ઉઠાવવા વગેરેની તાલીમ માટેનો ત્રણ દિવસનો તાલીમ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. અત્યારસુધીના વિધાનસભાના બજેટ સત્રમાં અનેક વાર સરકાર ભીંસમાં મુકાય તેવા મુદ્દાઓ કોંગ્રેસ ઉઠાવે છે પરંતુ અણીના સમયે આ મુદ્દો ઉઠાવનારા કોંગ્રેસના ધારાસભ્યો ભેદી રીતે ગૃહમાંથી ગાયબ થઈ જતા જોવા મળ્યા છે. એવી જ રીતે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નો જ્યારે પ્રશ્નોત્તરીકાળમાં ચર્ચામાં આવવાના હોય એ દિવસે જે તે ધારાસભ્ય ગેરહાજર રહે છે અથવા ગૃહમાં મોડા આવીને આ પ્રશ્ન ન ચર્ચાય તેવું ‘સેટિંગ' કરી લેતા હોવાનું જોવા મળ્યું છે. વિધાનસભામાં ધારાસભ્યોની લોકો સાથે છેતરપીંડી કરવાની પ્રવૃત્તિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને પગલે હાઈકમાન્ડે વિધાનસભાના આગામી સત્ર દરમિયાન ધારાસભ્યોની જાણ બહાર ઓબ્ઝર્વરને ધારાસભ્યની કામગીરી પર વોચ રાખવાની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.