ગુજરાતના વિવિધ શહેરોમાં રાજપુત સમાજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે શરૂ કરેલું આંદોલન ગતિ પકડતુ જાય છે. રાજકોટમાં આજે શનિવારના રોજ નિકળેલી વિશાળ રેલીમાં જીતુ વાઘાણીના પુતળાને પણ રાખવામાં આવ્યુ અને રેલી બાદ રાજપુત સમાજે જીતુ વાઘાણીના પુતળાને જાહેરમાં ફાંસી આપી તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાવનગરના રાજપુત આગેવાન દાનસંગભાઇ મોરી ઉપર કરવામાં આવેલા ખોટા કેસ પરત ખેંચવાની માગણી સાથે શરૂ થયેલા આંદોલને નજર અંદાજ કરવાની ભાજપને ભુલ ભારે પડી રહી છે,
રાજપુત સમાજે જીતુ વાઘાણી માફી માંગે તેવી માગણી પણ કરી હતી, છતા સત્તાના નશામાં રહેલા જીતુ વાઘાણી માફી માગવાનો ઈન્કાર કર્યો હતો. તેમાં શુક્રવારના રોજ વઢવાણમાં પણ મોટી રેલી નિકળી હતી. આમ હવે આ આંદોલનમાં વિવિધ રાજપુત સમાજ જોડાઈ રહ્યા છે. તા 5મી નવેમ્બરના રોજ બાવળાના ભાયલા ખાતે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આંદોલન અને સંમલેન માટે કારડીયા રાજપુત સમાજના આગેવાન કાનભા ગોહિલ ગામે ગામ ફરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે પચાસ હજાર કરતા વધુ રાજપુત સમાજના લોકો આ સંમેલનમાં આવશે.