શહેરના રોડ રસ્તા પર ખાડા તો જાણે કે અમદાવાદીઓ માટે એકદમ જ સાહજીક વાત બની ગઈ છે. જો રસ્તા પર ખાડા ન હોય તો જ હવે તો નવાઈ લાગે તેવી સ્થિતિ વચ્ચે અમદાવાદના કેટલાક રોડ અચાનક જ ચમચમતા થઈ જતા સામાન્ય લોકોને આશ્ચર્ય થાય તે વ્યાજબી જ છે. તો અમે તમને જણાવી દઈએ કે રાતોરાત આ રસ્તાઓના ચમચમવા પાછળનું કારણ આગામી 10 દિવસ પછી રાજ્યમાં આવતા VVIP છે. સોમવારે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ-રસ્તાના નવીનીકરણ માટે રૂ. 75 કરોડ ફાળવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા AMCને રોડરસ્તા માટે તાત્કાલીક ભંડોળ આપવામાં આવ્યું હોય તેવું બીજી વખત બન્યું છે.
આ પહેલા 2014માં ચાઇનિઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પહેલા રૂ.130 કરોડ ફાળવાયા હતા. ફંડ હાથમાં આવતા જ જ્યાં જ્યાં VVIP જવાના છે અથવા તો જ્યાં તેમના ડેલિગેશન રોકાવાના છે તે બધા જ રોડ પર આધુનિક મશિનો દ્વારા ખાડા પૂરવા અને રોડના નવીનીકરણની કામગીરી થતી જોવા મળે છે. જ્યારે શહેરના બીજા કેટલાક વિસ્તારોમાં કામચલાઉ આસ્ફાલ્ટ ડસ્ટ પાથરવામાં આવી રહી છે. જેના પર કદાચ એક વરસાદ પડે તો પણ જૈસૈ થેની સ્થિતિ આવી જશે.જ્યારે અંજલી-વાસણા, કોમર્સ ક્રોસ રોડ, ગુરૂકુળ રોડ, હેલ્મેટ ક્રોસરોડ, જીવરાજ હોસ્પિટલ ક્રોસરોડ, ઝાંસીની રાણીથી નહેરૂનગર રોડ સહિતના ભારે ટ્રાફિકવાળા રોડની સ્થિતિ તો યથાવત જ છે. આશ્રમરોડ પર ઇન્કમ ટેક્સ સુધીના રોડની સ્થિતિતો એટલી બદતર છે કે રાજ્યની ST બસ આશ્રમ રોડના આ પાર્ટ પરથી પસાર થવાની જગ્યાએ રિવરફ્રન્ટનો રોડ યુઝ કરી રહી છે.AMC અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘આ વર્ષે કુલ 202 કિમી જેટલો રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. જ્યારે 4500 જેટલા મોટા ખાડા નોંધવામાં આવ્યા છે. આ રોડ પૈકી 182 કિમી જેટલો રોડ તો વોરંટી પિરીયડની બહારનો છે જેથી તેનો સંપૂર્ણ ખર્ચો AMC પર આવે છે જે કોર્પોરેશન પર બહુ મોટુ નાણાકિય ભારણ છે. ‘