આજે સવારથી વડોદરા શહેરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો અટવાઇ ગયા હતા. સાથે ભારે વરસાદને કારણે ગણેશ પંડાલોમાં પાણી ભરાઇ જવાને કારણે ગણેશ મહોત્સવના આયોજકો પણ અટવાઇ ગયા છે. વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં 50 મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં સીઝનનો 32 ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે. એટલે કે સીઝનનો 60 ટકા ઉપરાંત વરસાદ નોંધાઈ ચૂકયો છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ઠંડા પવનો ને વરસાદને કારણે શહેરમાં મહત્તમ તાપમાન ગગડીને 29.6 ડિગ્રી થતાં ગરમીથી શહેરીજનોને રાહત થઇ હતી. હવામાન વિભાગે સતત ત્રણ દિવસ સુધી વરસાદની અગાહી કરી છે. વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. શહેરના કારેલીબાગ, માંજલપુર, માંડવી, વાઘોડિયા રોડ, અલકાપુરી, સુભાનપુરા, ગોરવા, ગેંડાસર્કલ, રેસકોર્સ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજે 92 ટકા નોંધાયું હતું. ભારે વરસાદના કારણે ઘણા ગણપતિ મંડપોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વિતેલા 24 કલાકમાં શહેરમાં 2 ઈંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.