અમદાવાદમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તન્ઝિમ મેરાણી ફરીવાર રાષ્ટ્રભક્તિ માટે તૈયાર થઈ ગઈ છે. તે હવે આ વખતે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાની છે. ગત વર્ષે 15મી ઓગસ્ટે તન્ઝિમને લાલચોકમાં ધ્વજ ફરકાવવાની તક મળી ન હતી, ત્યારે વખતે તે જયહિંદ મંચના રાષ્ટ્રિય અધ્યક્ષ નવીન જયહિંદને લાલચોકમાં રાખડી બાંધીને ધ્વજ પણ લહેરાવશે.
તેને શ્રીનગર રવાના થતાં પહેલા પોતાના આ મિશન સાથે ગુરૂવારે તેની સ્કૂલના 900 વિદ્યાર્થીઓએ વિદાય આપી હતી. 4 ઓગસ્ટે દિલ્હી પહોંચ્યા બાદ 7 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તે શ્રીનગરમાં ધ્વજ લહેરાવશે. પોતાના નિર્ણય અંગે વાત કરતાં તન્ઝિમે કહ્યું કે,‘મારી માટે સૌભાગ્યની વાત છે કે, ભાઈ બહેનના પર્વ એવા રક્ષાબંધનના દિવસે હું શ્રીનગરમાં હોઈશ. જ્યાં હું ધ્વજ ફરકાવવાની સાથે દેશના જવાનોને રાખડી બાંધીશ. સ્કૂલમાંથી 900 વિદ્યાર્થિનીઓ દ્વારા મને રાખડી અપાઈ છે, તે પણ હું જવાનોને બાંધીશ અને તેમના રક્ષણ માટે પ્રાર્થના કરીશ.