ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર એક પછી એક લાભો જાહેર કરી રહી છે. જેમાં રાજ્ય સરકારે વિદ્યાસહાયકોના પગારમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો ચૂંટણીલક્ષી નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં 21,300થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફીક્સ પગારના ધોરણે રૂ.11,500નો પગાર ચૂકવવામાં આવે છે. તેમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હવે વિદ્યાસહાયકોને રૂ.19,950નો પગાર ચૂકવાશે. જેના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂ.250 કરોડનો બોજો પડશે. પગાર વધારાના આ નિર્ણયનો અમલ તા.1 ફેબ્રુઆરી 2017ની પાછલી અસરથી અમલી કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. વિદ્યાસહાયકો ઉપરાંત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળસંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનો કર્મચારીલક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 2359 કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના 2072 કર્મચારીઓ મળી કુલ 4431 કર્મચારીઓને લાભ અપાશે, જેના લીધે રાજ્ય સરકાર પર રૂ.27.18 કરોડનો વાર્ષિક બોજો પડશે.
રાજ્ય સરકારે લીધેલા ચાર મહત્વના નિર્ણય
- ફિક્સ પગારદાર શિક્ષકો ના પગારમાં વધારો
- GEBના કર્મચારીને 7માં પગારપંચનો લાભ
- પાણી પુરવઠા અને જળસંપતિ નિગમના કર્મચારીઓને પણ 7માં પગારપંચનો લાભ
- પૂરગ્રસ્ત વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ પૂર્વવ્રત કરી ગ્રાહકો પ્રત્યે વ્યવહારું અભિગમ દાખવવા રાજ્ય સરકારનો બેન્કોને અનુરોધ