ગુજરાત સ્ટેટ કો.ઓપ. માર્કેટીંગ ફેડરેશન ગુજકોમાસોલના સુકાનીઓની યોજાયેલ ચૂંટણી માં ભાજપમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમાર સત્તાવાર રીતે બીનહરીફ ચૂંટાઇ આવ્યા છે. સંઘાણીને ચેરમેન બનતા રોકવા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન વિઠ્ઠલભાઇ રાદડીયાએ ખુબ પ્રયાસ કરી લીધાનું જાણવા મળે છે.
પાર્ટીના આદેશ મુજબ તેમણે સંઘાણીને સ્વીકારેલ પરંતુ ચૂંટણી પ્રક્રિયા માટે બોર્ડ બેઠક શરૂ થતા તેઓ મીનીટસ બુકમાં સહી કરી તુર્ત સ્થળ છોડી જતા રહ્યા હતા. વિઠ્ઠલભાઇ પોતે ગુજકોમાસોલમાં ચેરમેન બનવા માટે પ્રબળ દાવેદાર હતા. પાર્ટીની ઇચ્છા સંઘાણી માટે હતી. બહુમતી ડિરેકટર પણ સંઘાણીને ઇચ્છતા હતા. રાદડિયા રાજકોટ જિલ્લામાંથી ગુજકોમાસોલમાં ડિરેકટર તરીકે ચૂંટાયા છે. જયારે સંઘાણી રાજય સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે ગુજકોમાસોલમાં ગયા છે. મધરાત સુધી જોરશોર હિલચાલ બાદ આખરે સંઘાણી માટે રાદડિયાની કથિત સહમતી બની હતી. સંઘાણીને ચેરમેન બનવામાં કોઇ અડચણ ન આવે તે માટે કાયદાના નિષ્ણાંતોને કામે લગાડવામાં આવ્યા હતા. સંઘાણી અને રાદડિયા બંને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ છે. સહકારી ક્ષેત્રે બંને મોટુ નામ છે.