બિલ્ડરો લોકોને છેતરે નહીં તે માટે રાજ્યભરમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટનો ચૂસ્ત રીતે અમલ કરવા માટે સત્તાવાળાઓને ઉદ્દેશીને નિર્દેશો આપવામાં આવે તેવી દાદ માગતી રિટ થઇ છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી છે. સુરતના છગનલાલ મેવાડા નામના નાગરિકે કરેલી રિટમાં મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ લાગુ પાડવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં તેના અમલ માટે કોઇ અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.
તેનો અમલ જોવા મળતો નથી. એક વર્ષ વીતવા છતાં કેન્દ્ર સરકારના આ કાયદાનો ગુજરાતમાં અમલ થતો નહીં હોવાથી બિલ્ડરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને લોકોને છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ કાયદાની મહત્વની જોગવાઇરૃપે કલમ ૨૦(૧) અને ૪૩(૪) મુજબ રાજ્ય સરકારે રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરવાની છે પરંતુ હજુ સુધી કરી નથી. એવી જ રીતે રીયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવાની છે તે પણ થઇ નથી. સુરતમાં કેટલીક વિવિદીત જમીનોમાં બિલ્ડરો દ્વારા સ્કીમો મૂકવામાં આવી છે. લોકો લોન લઇને આવી સ્કીમોમાં પૈસા ભરે છે. આ નવા કાયદાનો અમલ થતો નહીં હોવાથી લોકો છેતરાઇ રહ્યા છે. જમીનો ટાઇટલ ન હોવા છતાં આવી સ્કીમો મૂકવામાં આવે છે. કાયદાની જોગવાઇ મુજબ બિલ્ડરે સ્કીમ કે પ્રોજેક્ટ મૂકતા અગાઉ ઓથોરિટી સમક્ષ તેની નોંધણી કરાવવી આવશ્યક છે પરંતુ બિલ્ડરો બારોબાર આવી સ્કીમો મૂકીને કામ ચલાવે છે. જમીન માલિકો સાથેના વિવાદો અને કાનૂની દાવા-દૂવીમાં આવી સ્કીમો પાયા ખોદેલી હાલતમા પડી રહી છે અને બિલ્ડરોએ લોકો પાસેથી પૈસા લઇ લીધા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે સત્તાવાળાઓને ઉદ્દેશીને જરૃરી નિર્દેશો આપવા જોઇએ. આ કાયદા મુજબ બિલ્ડરોએ પોતાની સ્કીમો અને પ્રોજેક્ટોનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજ્યાત છે અને રેગ્યુલેટરી ઓથોરિટીની રચના આવશ્ક છે અને નોંધણી કરાવ્યા વગરની સ્કીમો અને પ્રોજેક્ટો અંગે બિલ્ડરો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ.