કચ્છના 20 હજારવર્ષના ક્લાઇમેટ ચેન્જ ઉપર ગહન સંશોધન હાથ ધરાયું
, શુક્રવાર, 19 મે 2017 (16:33 IST)
કચ્છના રણમાં છેલ્લા 20 હજાર વર્ષ દરમિયાન થયેલા ફેરફારો તથા ભૂકંપને લગતા બદલાવો પર છેલ્લા બે માસથી ભૂસ્તર વિજ્ઞાનીઓ તથા પુરાતત્વવિદો અભ્યાસ કરી રહ્યા છે. સરહદે આવેલા પ્રતિબંધિત અને અત્યંત દુર્ગમ એવા રણપ્રદેશમાં કરાયેલાં સંશોધન દરમિયાન 1819ના ભૂકંપ વખતે વિનાશ પામેલા વહાણનો પ્રમુખ સ્તંભ તથા કરીમશાહી તથા વિઘાકોટ વિસ્તારોમાં અનેક પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા હતા. આઇ.આઇ.ટી.-ખડગપુરના પ્રો. અનિંદય સરકારે કચ્છને પસંદ કરતાં કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાર્યનમેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા કચ્છના છેલ્લા 20000 વર્ષના ક્લાઇમેટ ચેન્જ તથા વિવિધ સભ્યતાઓના ચઢાવ-ઉતાર ઉપર ગહન સંશોધન કરાઇ રહ્યું છે. આ કાર્ય માટે સમગ્ર ટીમ રણ વિસ્તારોમાં કેટલાય મીટર નીચેથી માટીના નમૂનાઓ લઇ રહી છે.
આ સંશોધનના ભાગરૂપે 1819ની 16મી જૂને આવેલા વિનાશક ભૂકંપ દ્વારા રચાયેલા અલ્લાહબંધ નામના ઉત્થાન પામેલા રણના ભૂમિ ભાગ પર તેઓનું કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના વડા ડો. એમ.જી. ઠક્કર અને અન્ય વિજ્ઞાનીઓને નાના-નાના વહાણોના ભંગાર તેમજ વહાણનો પ્રમુખ સ્તંભ મળી આવ્યો હતો. 100 કિલો વજનનો આ સ્તંભ કચ્છ યુનિવર્સિટીના મ્યૂઝિયમમાં ગેલેરીમાં સ્થાન પામશે. આ ઉપરાંત તે જ જગ્યાએથી મળેલા અન્ય માટીના પાત્રોના અવશેષો પણ મધ્યયુગીય માલૂમ પડ્યા છે. બી.એસ.એફ.ના કમાન્ડન્ટ તેમજ અન્ય સંત્રીઓએ સંશોધન કામમાં શક્ય તેટલી બધી જ મદદ કરવા તત્પરતા દર્શાવી હતી.
આગળનો લેખ