આ વખતના ઉનાળાએ તોબા પોકારાવી છે. ગરમીમાં લોકોની હાલત ખરાબ છે. ત્યાં પીવાના પાણીના વાંધા દુષ્કાળ ગ્રસ્ત પરિસ્થિતિને પ્રકાશમાં લાવી રહ્યાં છે. ગુજરાત દેશમાં અવ્વલ રાજ્ય ગણાય છે અને વિકાસના નામની બૂમા બૂમ થાય છે ત્યારે ગુજરાતમાં પંચમહાલ, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના અનેક ગામડાના લોકો પાણી માટે ટળવળી રહ્યાં છે. રાજ્યના પાવીજેતપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં ઉનાળાના સમયમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે.
છેલ્લાં ત્રણ વર્ષથી પાણી માટે પંથકનાં કેટલાંક ગામોમાં પાણીની તંગી વર્તાઇ રહી છે. તેમાં સમડી ગામના લોકોની પરિસ્થિતિ તો દયનીય છે. સમડી ગામ ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલું છે અને 600થી વધુ લોકો ડુંગર ઉપર જ વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ કુદરતી સૌંદર્યનો આજીવન આનંદ લેતા ગ્રામજનોને છેલ્લા ત્રણ વર્ષથી ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણી માટે તકલીફો ઊભી થાય છે. સમડી ગામમાં હાલ ચારેક બોર આવેલા છે અને એક મીની ટાંકીની વ્યવસ્થા સરકારે કરી છે. હાલ ગામના એક પણ બોરમાં એક ટીપું પાણી આવતું નથી. માત્ર ગામમાથી પસાર થતાં કોતરમાં એક ઠેકાણે પાણી મળે છે તે પણ માત્ર બે બેડા અને તે પણ સાવ ગંદુ. તેમ છતા આ કાળઝાળ ગરમીમાં મહીલાઓ મોટા મોટા ડુંગરો પરથી પોતાના બાળબચ્ચાં સાથે ડુંગરો ખૂંદીને બે બેડા પાણી લેવા માટે કોતરમાં ઉતરે છે. આ કોતર પથરાળ છે જેથી મહીલાઓને પુરુષોનો સહકાર પણ લેવાની ફરજ પડી રહી છે. ગામની મહીલાઓ સવારથી જ પાણી માટે ડુંગરો ખૂંદીને કોતરમાં જાય છે અને ગામના પુરુષો પણ સાથે જાય છે અને ધરી, પાવડા લઈને કોતરમાં જ્યાં પાણી મળે ત્યાં ખોદકામ કરે છે. ત્યાં માંડ બે બેડા જેટલું પાણી મળે છે. પાણી એટલું ગંદુ મળે છે પણ લોકો આવું પાણી પીવા માટે મજબૂર બની ગયા છે.