Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પ્રાથમિક શાળાના શિક્ષકોની ગુણવત્તાનો મોટો સવાલ : HTATનું માત્ર 5.52% રિઝલ્ટ

પ્રાથમિક શાળાના શિક્ષકોની ગુણવત્તાનો મોટો સવાલ : HTATનું માત્ર 5.52% રિઝલ્ટ
, શનિવાર, 13 મે 2017 (14:49 IST)
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી  HTATની પરીક્ષાનું માત્ર 5. 52 ટકા જેટલું પરિણામ આવતાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ કેટલી હદે ખાડે ગયું છે તેનો પુરાવો મળ્યો છે. આ પરીક્ષા પાસ નહીં કરી શકેલા અડધા લાખથી વધુ શિક્ષકો કયા સ્તરનું તેમના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હશે તે હવે કોઇની પણ કલ્પનાનો વિષય છે. સરકાર છાસવારે ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે પરંતુ આ પરિણામો પછી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભરતી કરાયેલા શિક્ષકોની ગુણવત્તા અંગે જ મોટો સવાલ ઊભો થયો છે. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં આચાર્ય (મુખ્ય શિક્ષક)ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે થોડા સમય પહેલા એચ ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં અંદાજે 53685 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જાહેર થયેલાં

આ પરીક્ષાના પરિણામમાં કુલ 50722 શિક્ષક ઉમેદવારો નાપાસ થયા છે. માત્ર અને માત્ર 2963 શિક્ષકો એચ ટાટનો કોઠો ભેદી શક્યા છે. આ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછો પાંચ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ ફરજિયાત લાયકાત હતી. પરંતુ, આટલો અનુભવ ધરાવનારા શિક્ષકોએ જ જે ધોળકું ધોળ્યું છે તે પરથી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં કેવું લોલમલોલ ચાલે છે તેનો પર્દાફાશ થઇ ગયો છે. રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવ, શૈક્ષણિક શિબિરો અને ચિંતન શિબિરો કરવામાં આવે છે તે બધી માત્ર કાગળ પરની કવાયતો હોવાનું આ પરિણામો પરથી પુરવાર થયું છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.1થી 8 માં આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકની ભરતી માટે એચટાટની પરીક્ષા લેવામાં આવી હતી. અપર પ્રાયમરી અને લોઅર પ્રાયમરી એમ, બન્ને વિભાગનું સંચાલન કરી શકે તેવા ઉમેદવારો મેળવવા માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતાં હોય તેવા શિક્ષકો જ આ પરીક્ષા આપી શકે તેવા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, આ પરીક્ષા આપનારા 50 ટકાથી વધુ ઉમેદવાર શિક્ષકો તો એવા હતા કે જેઓ 10 કે 15 વર્ષનો અનુભવ ધરાવે છે. મતલબ કે એક દાયકા કરતાં પણ વધારે સમયથી શિક્ષણ આપી રહેલા આ શિક્ષક ઉમેદવારો આટલા સમયથી વિદ્યાર્થીઓની કારકિર્દી રગદોળી જ રહ્યા છે. અત્યારના સ્પર્ધાત્મક જમાનામાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓનો પ્રાથમિક શિક્ષણનો પાયો જ કાચો રહી ગયો છે તે નક્કી છે. આ વિદ્યાર્થીઓ માટે શિક્ષકોની ભરતીમાં પણ ગુણવત્તાના કોઇ ધારાધોરણો જળવાયાં નથી એ પણ નક્કી થઇ ગયું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાની ચુડૈલ સાથે સેલ્ફીનુ 'વાયરલ સચ'