વિધાનસભાની ચૂંટણીને આડે છ મહિના બાકી રહ્યા છે ત્યારે શહેરમાં શંકરસિંહ વાઘેલાની તસવીર સાથે બાપુની સરકારના હોર્ડિંગ્સ લાગતાં રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી છે. હોર્ડિંગ્સ કોને લગાવ્યા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ છાવણીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના આગેવાન અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા-બાપુ એક તરફ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરવા કેન્દ્રિય મોવડી મંડળ સમક્ષ માગણી કરી રહ્યા છે. પરંતુ મોવડી મંડળ તરફથી આ અંગે કોઇ જ પ્રત્યુત્તર નહીં મળતાં બાપુની છાવણીમાં નારાજગી વ્યાપી છે.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વચ્ચે ચાલતી જૂથબંધીને કારણે પણ ગુજરાત કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી ભાજપમાં અથવા એન.સી.પી.માં જોડાઇ રહ્યા હોવાની વાતો વહેતી થઇ છે. આ સંજોગોમાં સોમવારે વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ તેમજ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિત જુદાજુદા સ્થળોએ શંકરસિંહ વાઘેલાની તસવીર સાથેના જન જનના હિતમાં બાપુની સરકારના હોર્ડિંગ્સ લાગતાં રાજકીય મોરચે જબરદસ્ત ઉત્તેજના વ્યાપી છે. જય..જય..ગરવી ગુજરાત. ભાજપ હોય કે કોંગ્રેસ, 2017-ગુજરાત વિધાનસભા ચૂંટણી-જન જનના હિતમાં બાપુની સરકાર લખેલા હોર્ડિંગ્સને લઇ શહેરનું રાજકારણ ગરમાયું છે.