Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં પ્રી-મોન્સૂન વાવાઝોડાનો હાહાકાર: અમદાવાદમાં 1.5 ઇંચ વરસાદ, દાહોદમાં 1નું મોત અને વડોદરામાં સોલાર પેનલો ઊડી

rain in vadodara
rain in vadodara
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં 50 થી 60  કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ચાલુ રહેશે, જેનાથી આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 4  ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ગરમીથી મોટી રાહત મળશે. જો કે, આ કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં આંબાના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અમદાવાદમાં મધ્યરાત્રે તોફાની વરસાદ, ફ્લાઇટ્સ ડાયવર્ટ અને વૃક્ષો ધરાશાયી

અમદાવાદ શહેરમાં 1 જૂનની મોડી રાત્રે અને વહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના પાલડી, બોપલ, એસ.જી. હાઇવે, ગોતા અને જોધપુર સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ રહ્યો હતો. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે અમદાવાદ આવતી 7  ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ ડાયવર્ટ કરવી પડી હતી. તીવ્ર વાવાઝોડાને લીધે શહેરના 15 થી વધુ વિસ્તારોમાં વૃક્ષો અને સેટેલાઇટ રોડ પર કાર પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી, તેમજ બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટનો પોલ ધરાશાયી થયો હતો.

 

દાહોદમાં સાઈન બોર્ડ પડતાં 1 નું મોત અને વડોદરામાં સોલાર પેનલો હવામાં ઊડી

આ તોફાની વાવાઝોડું દાહોદ અને વડોદરા જિલ્લા માટે નુકસાનકારક સાબિત થયું છે. દાહોદમાં ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થતાં ઉસારવણ ગામના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ, વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલી ‘અર્થ આર્ટિકા સોસાયટી’માં ભારે વાવાઝોડાના કારણે ધાબા પર ફિટ કરેલી સોલાર પેનલો ઉખડીને નીચે ખાબકી હતી, જેમાં મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ તમામ રહીશો સુરક્ષિત હોવાના અહેવાલ છે.

 

પંચમહાલ (ગોધરા) માં રસ્તા ધોવાયા અને વૈકલ્પિક રૂટની સૂચના

પંચમહાલ જિલ્લાના ગોધરામાં રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીંના આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પૂલ નજીક બનાવવામાં આવેલો કામચલાઉ ડાયવર્ઝન રોડ મોટાપાયે ધોવાઈ ગયો હતો. વરસાદી પાણીમાં માટી વહી જતાં આ રસ્તો અત્યંત જોખમી બન્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે આનંદનગર-કનેલાવ રોડનો ઉપયોગ ન કરવા અને તેના બદલે આઈટીઆઈ (ITI) તથા શામળાજી કોલેજવાળા વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા કડક સૂચના આપવામાં આવી છે.

પાટણ અને મહીસાગરમાં અંધારપટ, પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો

પાટણ અને મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાતા તીવ્ર પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણમાં તીવ્ર પવનથી વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં લાંબો અંધારપટ છવાયો હતો. આવી જ સ્થિતિ મહીસાગરના મુખ્ય મથક લુણાવાડા અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી, જ્યાં વીજ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી. સ્થાનિક નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે MGVCL દર મંગળવારે મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરે છે, છતાં ચોમાસાના પ્રથમ સામાન્ય વાવાઝોડામાં જ ફીડરો ખોરવાઈ જતાં પ્રી-મોન્સૂનની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.
 

નવસારી, વલસાડ અને બોટાદમાં મિની વાવાઝોડું અને વરસાદી માહોલ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ કુદરતનો મિજાજ બદલાયો હતો. નવસારીમાં મળસ્કે ૦૩:૦૦ વાગ્યાની આસપાસ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. વલસાડમાં પણ મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જોકે ત્યાં પાવર સપ્લાય ઝડપથી પૂર્વવત કરી દેવાયો હતો. બીજી તરફ બોટાદ શહેરમાં વહેલી સવારે પાળીયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ તેમજ ગ્રામ્ય પંથકના બરવાળા, સાળંગપુર અને રાણપુર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં છ લોકોની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ વ્યક્તિ પોતાના જ લોકોનો "ખૂની" કેમ છે?