અમદાવાદ: કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા NMC (નેશનલ મેડિકલ કમિશન) બીલનો વિરોધ કરવાનો મક્કમ નિર્ધાર સાથે ઈન્ડીયન મેડીકલ એસોશિએશન દ્વારા 8 ઓગસ્ટના રોજ 24 કલાક માટે દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. ત્યારબાદ IMA દ્વારા 14 ઓગસ્ટ સુધી સરકારને NMC બીલમાં રહેલા વાંધાજનક મુદ્દાઓ દુર કરવા માટે અંતિમ તક આપવાનો નિર્ણય કરાયો છે. જો 14 ઓગસ્ટ સુધીમાં સંતોષજનક ઉકેલ નહીં મળે તો IMA દ્વારા 15 ઓગસ્ટથી દેશભરમાં અચોક્કસ મુદ્દતની હડતાળનું પણ એલાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં NMC બીલના શાંતિપૂર્ણ વિરોધ બાદ દિલ્હી ખાતે તમામ રાજ્યોના ડોક્ટરોએ એકઠા થઈને NMC બિલનો વિરોધ કર્યો હતો પરંતુ અત્યાર સુધી વાંધાજનક મુદ્દાઓને લઈને કોઈ ઉકેલ ના આવતા હાલ 8 ઓગસ્ટ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો સાથે NMC બીલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે IMA સાથે સંકળાયેલા ડોકટરો અને મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા જુનીયર ડોકટરો મોટી સંખ્યામાં બાઇક અને કાર રેલી કાઢી NMC બિલનો વિરોધ કરશે.