વિધાનસભાના સત્રમાં પહેલા જ દિવસે કોંગ્રેસનો હોબાળો, રાજ્યપાલે શહીદો પર શોક વ્યક્ત કર્યો
, સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (14:51 IST)
આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. પહેલા દિવસે રાજ્યપાલ ઓપી કોહલીના સંબોધન સાથે 11 વાગ્યે સત્ર શરૂ થયું હતું. જેમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોથી લઈ જયંતી ભાનુશાળી અને પૂર્વ મંત્રી મનોહરસિંહ જાડેજાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે મૃતકોની આમાન્ય જાળવ્યા વિના હોબાળો કરતા રાજ્યપાલ 15 મિનિટના બદલે 10 મિનિટમાં જ સંબોધન સમેટી રવાના થઈ ગયા છે. આ સત્રમાં કોંગ્રેસે સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી છે. જેમાં વિપક્ષ એલઆરડી પેપર લીક કાંડ, ભ્રષ્ટાચાર તેમજ રાજ્યમાં ખેડૂતોને મૂંઝવતા વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સરકાર પણ વિપક્ષને જવાબ આપવા માટે સરકારની સિદ્ધિઓ દર્શાવશે. આ ઉપરાંત વિપક્ષ જે પ્રશ્નો ઉભા કરે તેના જવાબો કેવી રીતે આપવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનો માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો શહીદના પરિવારોને ધારાસભ્ય તરીકે મળતો એક પગાર આપશે.બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જે બાદમાં ગૃહને મોકૂફ રાખવામાં આવશે. એટલે કે પ્રથમ દિવસે સરકાર અને વિપક્ષ સામેસામે નહીં હોય પરંતુ સત્રના બીજા દિવસથી વિપક્ષ સરકારને ઘેરવાનો એક પણ મોકો છોડશે નહીં. સામે સરકારે પણ વિપક્ષને જવાબ આપવીની તૈયારી કરી લીધી છે.
આગળનો લેખ