મેગા શો મીનિ શો બની ગયો : મંચ પર માત્ર 8 નેતાઓની જ હાજરી
, બુધવાર, 31 ઑક્ટોબર 2018 (12:21 IST)
લોકસભા પહેલાં ધમાકેદાર આયોજન કરવાના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ આજે સાદગીથી યોજાઈ રહ્યો હોય તેવો કેવડિયા કોલોનીમાં માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમથી મોદી વિશ્વને એકતાનો સંદેશો આપવાના હતા. આ કાર્યક્રમ થકી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ કરવાની હતી પણ ગુજરાત સરકારની એક ભૂલને પગલે મોદીનો મેગા શો એ મીનિ શો બની ગયો છે. દેશભરના મુખ્યમંત્રીઓને આમંત્રણ કાર્ડ વહેચી દેવાયા બાદ તેમને ના કહેવામાં આવી હતી. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકર્પણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સ્ટેજ પર માત્ર 8 મહાનુભાવો હાજર છે. જેઓ ગુજરાતી હોવાને નાતે તમામ હાજર રહ્યાં છે. દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી દેશભરના મુખ્યમંત્રીઓને હાજર રાખવાનો આ કાર્યક્રમ આજે મીનિ શોની જેમ ઉજવાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં દેશભરમાંથી ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવીને 31 ઓક્ટોબરે મેગા શો કરવાના પીએમ મોદીના મેગા શો પર પાણી ફરતા હવે આ કાર્યક્રમમાં માત્ર પીએમ જ હાજર છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્ર પતિ પણ દિવાળીમાં ગુજરાતમાં આવશે. હાલમાં સ્ટેજ પર રાજેન્દ્ર ત્રિવેદી, અમિતશાહ , નીતિન પટેલ, આનંદીબેન પટેલ, નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા અને ઓ. પી કોહલી હાજર છે. જે સ્ટેજ રાજકીય નેતાઓથી ભરાયેલું હોવું જોઈએ તેના બદલે માત્ર આઠ નેતાઓની હાજરી છે. આનંદીબેન હાલમાં મધ્ય પ્રદેશના ગવર્નર છે જેઓને ગુજરાતી હોવાના નાતે આમંત્રણ છે. વજુભાઈ વાળા પણ ગુજરાતી હોવાના નાતે કર્ણાટકના ગવર્નર હોવા છતાં હાજર છે. આ કાર્યક્રમમાં સ્ટેજ પર મહાનુંભાવોની હાજરી આજે ઘણાને ખૂંચી રહી છે. આમ બનવાના કારણો પાછળ સૂત્રો કહી રહ્યાં છે કે મોદી સરકારના અરમાનો પર પ્રાંતવાદ ભારે પડી ગયો છે. ગુજરાત ભાજપ માટે હાલમાં આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણી પહેલાં અતિ મહત્વનો હતો. આમ ગુજરાત સરકારે દેશભરમાંથી રાજકારણીઓને તેડાવવા માટે કરેલું આયોજન પડી ભાંગ્યું છે. મોદી માટે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીને ફટાફટ પૂરી કરવા માટે પીએમઓમાંથી આદેશો હતા. ગુજરાત સરકારે અને કેન્દ્રએ આ બાબતે લોકસભાની ચૂંટણી પહેલાં મેગા શો કરીને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત કરવાની તૈયારી હતી. જે તમામ આયોજનો પર પાણી ફરી વળ્યું છે. રૂપાણી સરકાર દ્વારા હાલમાં આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટે દિવાળી સુધી ચાલશે અને તબક્કાવાર મુખ્યમંત્રીઓ હાજર રહશે તેવો ખુલાસો કરી રહી છે.
આગળનો લેખ