નેવીના 6 જેટલા જવાનો વિસાવાડા દરિયા કાંઠે ફરવા ગયા હતા. એક જવાનનું દરિયાઈ મોજામાં તણાઈ જતા ડૂબી ગયો હતો. સુરક્ષા એજન્સી દ્વારા હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરાઈ હતી. આ જવાનનો મૃતદેહ મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું છે.મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના ફતેહસર ગામે રહેતા અને હાલ પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ નૌસેના ક્વાર્ટર 259મા રહેતા જયપ્રકાશ નરસીરામ બીસ્નોઈ નામના 24 વર્ષીય જવાન તેમજ તેના 6 જેટલા સાથી જવાનો ગઈકાલે રવિવારે શાંજના સમયે વિસાવાડા લેન્ડિંગ પોઇન્ટ પાસે દરિયા કિનારે ફરવા ગયા હતા.
બધા સાથી જવાનો દરિયા કિનારે રેતીમાં બેઠા હતા ત્યારે જયપ્રકાશ નામનો જવાન ઉભો થઇ અને દરિયાકિનારે આવેલ ભેખડ પર ગયો હતો. અચાનક દરિયાનું ભારે મોજું આવતા આ જવાન અકસ્માતે પગ લપસી જતા દરિયામાં પડી જતા પાણીમાં તણાઈ ગયો હતો.અન્ય સાથી કર્મીઓએ આ અંગેની જાણ કરતા સુરક્ષા એજન્સી દ્વારા હેલિકોપ્ટર દ્વારા શોધખોળ હાથ ધરી હતી. આમછતાં આ જવાનની ભાળ મળી ન હતી. બાદમાં આ જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નેવીનો જવાન અકસ્માતે દરિયામાં પગ લપસતા પડી જતા પાણીમાં તણાયા હતા અને દરિયામાં ડૂબી જવાથી આ જવાનનું મોત નીપજ્યું હોવાનું સુનિલ બંસીલાલ બીસ્નોઈ નામના નેવી જવાને પોલીસમાં જાહેર કર્યું છે. નેવીના જવાન જયપ્રકાશ નરસીરામ બીસ્નોઈનું મોત નિપજતા નેવી કર્મીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.