ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાના પાણીથી બ્રહ્માણી-2 જળાશય ભરાશે
ખેડૂતોને પાક ધિરાણ માટે 135 કરોડનું વધારાનું રીવોલ્વીંગ ફંડ
સુજલામ સુફલામ જળસંગ્રહ શક્તિના કામો 31 મે સુધી પૂર્ણ કરવાનું આયોજન
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત ઉનાળાની સિઝનમાં નાગરીકોને પીવાના પાણીની તકલીફ ના પડે તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે પણ નિર્ણયો લેવાયાં હતાં. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે.
નર્મદાના પાણીથી બ્રાહ્મણી-૨ જળાશય ભરવામાં આવશે
વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે 2075 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-2 જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ 180 MLDથી ઘટીને 10 થી 15 MLD થયેલ છે. જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-2 જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. આ માટે 25 એપ્રિલ-2022થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-૨ જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જીલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે.
સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પામ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનું અત્યંત સંવેદના સાથે નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે.
મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળશે
મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માંગણી આવી છે એ સંદર્ભે પુરતી વ્યવસ્થાઓ કરી છે તેમજ અન્ય જગ્યાએ જેમ જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.રાજ્યમાં જળસંગ્રહ થાય એ માટે પ્રતિ વર્ષ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને જળાશયો ઊંડા કરવા સહિત કેનાલ સફાઈના કામો હાથ ધરાઇ રહ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 18700 જેટલા કામો હાથ ધરાયા છે તે તમામ કામો આગામી 31 મે સુધી પૂર્ણ કરવા સૂચના આપી દેવાઇ છે.
રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે
વાઘાણી ઉમેર્યું કે રાજ્ય સરકારે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. ૨/-ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 1 એપ્રિલ-2022 થી તા. 30 એપ્રિલ 2022 સુધીમાં અંદાજે 45 લાખ કટ્ટા વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે. ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે. રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીએ 500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું 135 કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરાશે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને 3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે.